17 May 2017

ફોરેસ્ટ્રીના આંદોલન કરનારા વિદ્યાર્થીઓને 24 કલાકમાં યુનિ. કેમ્પસ છોડવા આદેશ

નવસારીમાં એરૂ સ્થિત એગ્રીકલ્ચર યુનિ.માં ફોરેસ્ટ્રીના આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને 24 કલાકમાં યુનિ. કેમ્પસ ખાલી કરવાની નોટીસ કોલેજના આચાર્ય અને ડીન બી.એન. પટેલે ફટકારી છે. જેને કારણે આગામી સમયમાં વિવાદ વકરે તેવી શક્યતાનું નિર્માણ થયું છે. નવસારી એગ્રીકલ્ચર યુનિ.માં ફોરેસ્ટ્રીના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ છેલ્લા 50થી વધુ દિવસથી વિવિધ પ્રશ્નોના સંદર્ભે હડતાળ ઉપર છે. આ હડતાળ કરનારા વિદ્યાર્થીઓને સૌ પ્રથમ હોસ્ટેલ ખાલી કરી દેવાના આદેશ આપી દેવાયા હતા. એ પછી આ વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જ રોકાણ કરીને આંદોલન કરી રહ્યા હતા.

પહેલા હોસ્ટેલ બાદ હવે, આજે બપોરે બે વાગ્યે કેમ્પસ છોડી દેવા જણાવ્યું
સરકાર તરફથી હજી સુધી વિદ્યાર્થીઓના સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું ન હોવાથી અને ઘણાં લાંબા સમયથી કેમ્પસમાં જ પોતાની મરજીથી રોકાણ કરીને આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની જવાબદારી યુનિ. સત્તાધીશોના શિરે આવી પડી હતી. જેને કારણે હવે વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. કોલેજના આચાર્ય અને ડીન બી.એન. પટેલે યુનિ. કેમ્પસમાં જ કોલેજ સામે રોકાણ કરી આંદોલન કરી રહેલા સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને 24 કલાક એટલે કે 17 મેની બપોર 2 વાગ્યા સુધીમાં યુનિ. કેમ્પસ ખાલી કરવા તાકિદ કરવામાં આવી છે. તે અંગે તેમણે નોટિસ પણ પાઠવી દીધી છે. વિદ્યાર્થીઓને તે સૂચનાનું ચૂસ્તપણે પાલન કરવા જણાવી દીધુ છે. તેમણે યુનિ.ના કુલપતિ, પોલીસવડા, જલાલપોર પોલીસને પણ તે અંગે જાણ કરી છે.

આંદોલનને જ્યોતિર્નાથ મહારાજનું સમર્થન
આજે ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓના આંદોલનના સમર્થનમાં નવસારી દત્તવાહિની સંસ્થાના સંત જ્યોતિર્નાથ મહારાજ પણ આંદોલનમાં જોડાયા હતા. તેઓ વડોદરા હતા. તેમને વિદ્યાર્થીઓની હડતાળની જાણ થતા નવસારી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું. તેઓ દત્તવાહિની સંસ્થા ભારતના મહામંત્રી પણ છે. આ ઉપરાંત રાષ્ટ્રવાદી યુવાવાહિની સંસ્થાના કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા હતા.

અન્ય વિદ્યાર્થીઓનું હિત ન જોખમાય તે જરૂરી
ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિ.માં અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. ઉપરાંત હડતાળ કરી રહેલા વિદ્યાર્થીઓ અનુશાસનમાં નથી. તેઓ યુનિ. કેમ્પસમાં રહેતા હોવાથી તેમનું ધ્યાન રાખવાની બેવડી ફરજ આવી પડી હતી. આંદોલન નહીં સમેટાતા આખરે આ નિર્ણય લેવો પડ્યો છે. - ડો. બી.એન. પટેલ, ફોરેસ્ટ્રી કોલેજના આચાર્ય અને ડીન