18 May 2017

વિજલપોરનો કચરો નવસારીમાં નંખાતાં વિરોધ


વિજલપોર શહેરના ઘન કચરાને નવસારીના બંદર રોડ ઉપર નાંખવાની શરૂઆત થતા વિરોધ બહાર આવ્યો, જેને લઈને બપોર પછી કચરો નાંખવાનું બંધ કરવું પડ્યું હતું.

વિજલપોર શહેરના કચરાનો નિકાલ કરવાની અહીંની પાલિકાને ભારે મુશ્કેલી છે. જેને લઈને પાલિકાએ એક એજન્સીને કચરાના નિકાલની જવાબદારી સોંપી છે. જેના પાલિકા વરસે રૂ. 50 લાખ જેવી રકમ ચૂકવે છે. બીજી તરફ નવસારી શહેરનો ઘનકચરો અહીંની પાલિકા બંદરરોડ ઉપર ઠાલવે છે. છેલ્લા કેટલાક સમયથી ઘનકચરાના વર્ગીકરણના પ્લાન્ટની કામગીરી પણ એક એજન્સીને પાલિકાએ સોંપી છે. જોકે કચરાના સેગ્રીકેશન માટે રોજના 100 મેટ્રીકટન કચરાની જરૂરિયાત સામે નવસારીનો કચરો 62 ટન મળે છે, વધુ કચરાની જરૂર રહે છે.

એક બાજુ વિજલપોરનો કચરા નિકાલની સમસ્યા અને બીજી તરફ નવસારીને વધુ કચરાની જરૂરિયાત હોવાની વાત તાજેતરમાં જિલ્લા કલેકટરના ધ્યાન ઉપર આવી હતી. જેને લઈને જિલ્લા કલેકટર કચેરીની ડુડા ( ડ્રિસ્ટીક્ટ ડેવલપમેન્ટ એજન્સી ) શાખામાંથી વિજલપોરનો કચરો નવસારીના બંદર રોડ ઉપર નાંખવા આદેશ થયો હતો. આદેશને લઈ આજે બુધવારે વિજલપોર પાલિકાએ સવારથી શહેરનો કચરો નવસારીના બંદરરોડ ઉપર નાંખવાની શરૂઆત કરી હતી. વિજલપોરનો કચરો બંદરરોડ ઉપર નંખાયાની જાણ થતા બંદરરોડના કેટલાક રહીશોએ નવસારી પાલિકા કચેરી પહોંચી આ બાબતનો વિરોધ કર્યો અને તાબડતોડ બંદર રોડ ઉપર કચરો નાંખતો બંધ કરવાની ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને લઈ વધુ વિવાદ ન પેદા થાય તે માટે બપોર પછી વિજલપોરનો કચરો નવસારીના બંદરરોડ ઉપર નાંખવાનો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ અંગે નવસારી અને વિજલ્પોર બંને પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીએ જણાવ્યું કે કલેકટરાલયમાંથી આદેશ મળતા વિજલપોરનો કચરો નવસારીમાં નાંખવાનો નિર્ણય લેવાયો છે.

અગાઉ પણ પ્રયાસ થયો હતો
વિજલપોરશહેરનો ઘનકચરો નવસારીમાં ઠાલવવાનો પ્રયાસ વહેલી વખત થયો નથી. આજથી ચાર વર્ષ અગાઉ પણ વિજલપોરમાં કચરા નિકાલની મુશ્કેલી હોય ત્યાંનો કચરો નવસારીના બંદરરોડ ઉપર ઠાલવવાનો પ્રયાસ થયો હતો. જોકે તે સમયે બંદરરોડના રહીશોએ વિજલપોર પાલિકાના કચરા ભરેલા વાહનો રોકી વિરોધ કર્યો હતો. અંતે વાદવિવાદ બાદ વિજલપોરનો કચરો નવસારીમાં નાંખવાનું બંધ કરાયું હતું.