23 May 2017

નવસારીમાં 1 અબજનો અદ્યતન ST ડેપો બનશે


નવસારીમાં અંદાજે 100 કરોડના માતબર ખર્ચે અદ્યતન ડેપો સંકુલ ઉભુ કરાશે. ડેપો સંકુલની કામગીરી આગામી દિવસોમાં શરૂ થઈ જશે.

રાજ્યમાં આવેલા કેટલાક મોટા એસટી ડેપોમાં નવસારી ડેપોની ગણના થાય છે. નવસારી ડેપો દ્વારા રોજિંદા 77 શિડ્યુલિંગના સથવારે 33 હજાર કિલોમીટર રનિંગનું સંચાલન થાય છે. વલસાડ વિભાગીય નિયામક કચેરીના કાર્યક્ષેત્રમાં તે સૌથી મોટો ડેપો છે. રાજ્ય સરકારે રાજ્યના કેટલાક મોટા એસટી ડેપોને પી.પી.પી.ના ધોરણે અદ્યતન બનાવવાનો નિર્ણય લીધો હતો. જેમાં વડોદરાના મકરપુરા અને વડોદરા, અમદાવાદના સુભાષ બ્રિજ અને ગીતામંદિર, મહેસાણા, અડાજણ, નડિયાદ, નવસારી જેવા ડેપોનો સમાવેશ થાય છે. ડેપોમાં કેટલાક બની ગયા છે, કેટલાકનું કામ ચાલુ છે તથા નવસારી જેવા ડેપોનું કામ શરૂ થશે. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય વરસોથી નવસારી એસટી ડેપો નવસારી સબજેલની સામે જૂનાથાણા અને લુન્સીકૂઈ વિસ્તાર નજીક કાર્યરત છે. ડેપોના માર્ગની ઉત્તર અને દક્ષિણ એમ બે જગ્યાએ ડેપો કાર્યરત છે. જેમાં દક્ષિણે હાલ માત્ર વર્કશોપ છે તથા ઉત્તરે ડેપોની બસોનું સંચાલન થાય છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં જે અદ્યતન બસ ડેપો બનવા જઈ રહ્યો છે તેમાં હાલના ઉત્તરે બાજુ આવેલા ડેપોમાં જગ્યા વધારે હોય બસ સ્ટેશન ઉપરાંત વર્કશોપ હશે તથા દક્ષિણે પણ બસસ્ટેશન બનશે એવી જાણકારી મળી છે. નવા અદ્યતન બસડેપો (સ્ટેશન)માં બસ સ્ટેશને સંલગ્ન સુવિધાઓ તો અદ્યતન હશે સાથે મલ્ટીપ્લેકસ પણ હશે. નવા સમગ્ર બસડેપો સંકુલનો ખર્ચ અંદાજે 100 કરોડ (1 અબજ) રૂપિયા થશે. કામગીરી ડી.આર. અગ્રવાલ નામની એજન્સી કરશે એમ પણ જાણવા મળ્યું છે. અંગે એસટીના વલસાડના વિભાગીય નિયામક એન.એસ. પટેલે જણાવ્યું કે નવસારીમાં અદ્યતન બસડેપો બનશે જેનું ખાતમુહૂર્ત પણ નજીકના દિવસોમાં થશે.

ડેપોમાં સુવિધા હશે 
બોર્ડિંગ-એલાઈટીંગઅને પ્લેટફોર્મ, ટુરિસ્ટ ઈન્ફોર્મેશન સેન્ટર, કલોકરૂમ, વહીવટી ઓફિસ, પાર્સલ અને સ્ટોરરૂમ, રેસ્ટરૂમ, જનરલ બેઠક વ્યવસ્થા, લેડિઝ બેઠક વ્યવસ્થા, કેન્ટીન-રેસ્ટોરન્ટ અને કીઓસ્ક, વોટરરૂમ, ડોરમેટરી, મુસાફર ટોયલેટ, લેન્ડ સ્કેપિંગ (બાગબગીચા વગેરે), ડિજીટલ ડિસ્પ્લે, સીસીટીવી મોનિટરિંગ, ગેમિંગ ઝોન, વ્યવસાયિક ઓફિસ, ટુ વ્હિલર-ફોર વ્હિલર બેઝમેન્ટ પાર્કિંગ, શો રૂમ, મલ્ટીપ્લેકસ, ફૂડકોર્ટ અને પ્લાઝા વગેરે.