23 May 2017

નવસારીમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે કેરિયર એજ્યુકેશન સેમિનાર યોજાયો


ધો.10 અને 12નાં પરિણામો આવી રહયા છે. ત્યારે ધો.10અને ધો.12 પછી જુદી જુદી 79 જેટલી ફેકલ્ટીના યુનિવર્સિટીના સ્નાતક, અનુસ્નાતક, ડીપ્લોમાં પોલીટેકનીક તથા પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમો તેની પ્રવેશ પધ્ધતિ સાથે ઓનલાઇન એડમીશનની પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપવા કેરિયર એજ્યુકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દક્ષિણ ગુજરાતના વાપીથી તાપીના 387 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો.

સેમિનારમાં ભારત સરકારના મેનેજ કન્સલ્ટંટ અને કૃષિ યુનિવર્સિટીના પૂર્વ નિયામક ડો.રમણભાઇ પટેલે જણાવ્યું કે 21મી સદી જ્યારે જ્ઞાન આધારિત હરિફાઇ યુક્ત સદી છે. ત્યારે સદીને અનુકૂળ અને અનુરૂપ કારકીર્દીના ઘડતર માટે ધો.10 અને 12 પછીના અભ્યાસ માટેની ફેકલ્ટીઓ અને યુનિવર્સિટી માહિતી મેળવી કારકીર્દીના ઘડતર માટે અનુકૂળ અને યોગ્ય વિદ્યાશાખા પસંદ કરવી પડશે. ડો.પટેલે જુદી જુદી વિદ્યાશાખાના અભ્યાસક્રમો અંગે પ્રેઝનટેશન આપ્યું હતું.

એમ.એસ.યુનિવર્સિટીના કેરીયર કન્સલ્ટંટ ડો.જગતાપ અગ્રવાલ કોલેજના આચાર્ય ડો.પારેખ,કૃષિ યુનિવર્સિટીના પૂર્વ આચાર્ય ડો.સી.એલ.પટેલ દ્વારા સામાન્ય,વાણીજ્ય અને વિધાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે કૃષિ તબીબી,ઇજનેરી,મેનેજમેન્ટ જેવી 79 જેટલી ફેકલ્ટી અને તેની યુનિવર્સિટી અને પ્રવેશ પધ્ધતિ અંગે માર્ગદર્શન આપી તેના સાહિત્યનું વિતરણ કર્યુ હતું.