24 May 2017

વીજ કંપનીના ત્રણ નવા સબડિવિઝનો ઉભા કરવામાં આવ્યા, હવેથી નવસારી ડિવિઝનમાં કુલ 5 સબ ડિવિઝનો હશે


વીજ કંપનીના નવસારી ડિવિઝનની કાયાપલટ કરવામાં આવી છે. ડિવિઝનના કાર્યક્ષેત્રમાં ત્રણ સબડિવિઝનો કાર્યરત કરવાની સાથે સમગ્ર ડિવિઝનમાં કુલ પાંચ સબ ડિવિઝનોને સમાવવામાં આવ્યા છે.

નવસારી શહેરમાં આજદિન સુધી વીજ કંપનીનું ડિવિઝન હતું. સામાન્યત: 20 હજાર જેટલા ગ્રાહકો હોય ત્યાં સબડિવિઝન ઉભુ કરવામાં આવતું હોવા છતાં નવસારી શહેરમાં સબડિવિઝનો હતા અને સીધા ડિવિઝનમાંથી વહીવટ કરાતો હતો. હવે મોડે મોડે નવસારી ડિવિઝનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે.

વીજ કંપનીના હાલના નવસારી ડિવિઝનમાંથી ત્રણ સબડિવિઝનો બનશે, જેમાં નવસારી ઈસ્ટ, નવસારી વેસ્ટ અને જલાલપોરનો સમાવેશ થાય છે. નવસારી ઈસ્ટમાં શહેરના પૂર્વ વિસ્તારો, વેસ્ટમાં મધ્ય વિસ્તારનો અને જલાલપોરમાં સ્ટેશનથી પશ્ચિમનો જલાલપોર વિસ્તારનો સમાવેશ થશે. નવસારી ઈસ્ટમાં 28577, નવસારી વેસ્ટમાં 35524 અને જલાલપોરમાં હાલના 9393 ઉપરાંત અન્ય 6થી 7 હજાર ગ્રાહકો સમાવાશે. નવસારી શહેરની હદમાં ત્રણ સબડિવિઝનો ઉપરાંત વિજલપોર અને નવસારી ગ્રામ્યનું સબડિવિઝન પણ હવેથી નવસારી ડિવિઝનના કાર્યક્ષેત્રમાં જ આવશે.

વીજબીલની વહેંચણી ખોરવાઇ જવા પામી 
વીજ કંપનીના નવસારી ડિવિઝનમાં ફેરફાર થવાથી માળખુ બદલાયું છે. જેને લઈને હાલના સમયમાં કેટલાક (બધા નહીં) વીજબીલોની વહેંચણી ખોરવાઈ છે. વીજબીલો કેટલાક વહેલા તો કેટલાક મોડા (ત્રણ મહિને) વિતરીત કરાયાની જાણકારી મળી છે. જોકે વીજબીલો બનાવવામાં, વિતરણ કરવામાં થયેલા ફેરફારથી ગ્રાહકોને નુકસાની થશે નહીં એવી વીજ કંપનીના સૂત્રો જણાવે છે.

વીજગ્રાહકોને ફાયદો થશે 
નવસારી ડિવિઝનમાંથી નવા સબડિવિઝનો વહીવટી સરળતા તથા લોકોના લાભ ખાતર કાર્યરત કરાયા છે. હાલ સુધી ડિવિઝન કચેરીમાંથી સર્વત્ર કામગીરી થતી હતી. હવે નીચેની કક્ષાએ નવા સબડિવિઝનો બનતા વહીવટી સરળતા રહેશે તથા કામગીરી પણ સાનુકૂળ થશે. નવા ઓપથી લોકોને પણ ફાયદો થશે. સ્થાનિક લોકો સાથે સબડિવિઝનનો સંપર્ક વધવાથી લોકોની ફરિયાદોનું નિરાકરણ વધુ ગતિશીલ બનશે એમ ડિવિઝનના ઈનચાર્જ કાર્યપાલક ઈજનેર જે.એલ. પટેલે જણાવ્યું છે.