26 May 2017

આજથી નવસારીમાં પ્રથમવાર રાજ્યકક્ષાની કબડ્ડી લીગ


નવસારી શહેરમાં પ્રથમ વખત રાજ્યકક્ષાની કબડ્ડી લીગ સ્પર્ધા 26મીથી લુન્સીકૂઈ મેદાન ખાતે યોજાઈ રહી છે.

નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન તથા નવસારી જિલ્લા પંચાયત દ્વારા ગુજરાત કબડ્ડી લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમવાર યોજાતી રાજ્યકક્ષાની કબડ્ડી લીગ સ્પર્ધાની શરૂઆત 26મી મેના રોજથી થશે, જે ત્રણ દિવસ ચાલી 28મી મેના રોજ પૂર્ણ થશે. શુક્રવારે સાંજે 6.30 કલાકે ઉદઘાટન સમારંભ યોજાશે. ત્યારબાદ બે દિવસ રાત્રે 8 થી 12 સુધી કબડ્ડી સ્પર્ધા યોજાશે.

શહેરના લુન્સીકૂઈ મેદાન ખાતે યોજાઈ રહેલી સ્પર્ધામાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ગુજરાત પોલીસ, કોસ્ટલ, અમદાવાદ, બનાસકાંઠા, કોડીનાર, બરોડા, ભરૂચ અને તાપીની ટીમનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટના વિજેતાને રૂ. 1,11,111, દ્વિતીય ક્રમને રૂ. 51,151, તૃતીય ઈનામ રૂ. 25,525 અને ચોથું ઈનામ રૂ. 11,111 અપાશે. આ ઉપરાંત ખેલાડીઓને પણ ઈનામ અપાનાર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાત કબડ્ડી લીગ માટે અહીંના લુન્સીકૂઈ મેદાન ઉપર તૈયારીઓને ઓપ અપાઈ રહ્યો છે.