31 May 2017

નવસારી જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 68.42 ટકા પરિણામ

ધો. 12 સામાન્ય પ્રવાહનું બોર્ડે પોતાની વેબસાઈટ ઉપર આજે પરિણામ જાહેર કર્યું હતું. જેમાં નવસારી જિલ્લાનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 68.42 ટકા રહ્યું હતું. જિલ્લામાં માત્ર બે જ વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ મેળવી શકવામાં સફળ રહેતા પરિણામ નીચે રહેવાનો ઉહાપોહ મચ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા બાદ આજે પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર મુકવામાં આવ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

આંબાબારી કેન્દ્ર 85.23 ટકાની સાથે સૌથી અવલ્લ રહ્યું
અધુરામાં પુરુ ચાલુ વર્ષે બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઘણુ નીચુ રહ્યાની બૂમરાણ ઉઠી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની ટકાવારી નીચી જતા આગામી સમયમાં કઈ ફેકલ્ટીમાં જવુ તે બાબતે પણ વિચાર કરવાની સ્થિતિ ઉભી થઈ છે. નવસારી જિલ્લાની વાત કરીએ ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 9138 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 8996 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓમાંથી માત્ર બે જ વિદ્યાર્થીઓ એ1 ગ્રેડ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવી શક્યા હતા. જ્યારે 64 વિદ્યાર્થીઓ એ2 ગ્રેડ મેળવ્યો હતો. વધુમાં 573 વિદ્યાર્થીઓ બી1 અને 1590 વિદ્યાર્થીઓ બી2 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા. જ્યારે 1976 વિદ્યાર્થીઓએ સી1 અને 1379 વિદ્યાર્થીઓએ સી2 ગ્રેડ મેળવ્યો હતો. 571 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ જ્યારે 2983 વિદ્યાર્થીઓ પાસ થવામાં સફળ રહ્યા હતા. કેન્દ્રવાર પરિણામ જોઈએ તો સૌથી ઉંચુ પરિણામ આંબાબારી કેન્દ્રનું 85.23 ટકા જ્યારે સૌથી નીચુ પરિણામ બીલીમોરા કેન્દ્રનું 63.62 ટકા રહ્યું હતું.