1 June 2017

નવસારીમાં હવે વાયુ પ્રદૂષણ જાણી શકાશે


નવસારી શહેરમાં વાયુ પ્રદુષણ માપવા માટે એરકવોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવાનો પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નવસારી પાલિકાને આદેશ આપતા પાલિકાએ શહેરમાં બે સ્ટેશનો સ્થાપવાનો નિર્ણય લેવાયો છે. નવસારી જેવા શહેરમાં આજદિન સુધી ઘનપ્રદુષણ અને પાણી પ્રદુષણ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું સ્થાનિક એકમ નિગરાની રાખતું હતું પરંતુ વાયુ પ્રદુષણ માપવામાં આવતું હતું અને તેનું મોનિટરિંગ પણ સરકારનું એકમ કરતું હતું. દિલ્હીમાં વાહનોને કારણે એર પોલ્યુશન ઉભુ થયાનું જોવાયું છે ત્યારે નવસારીમાં પણ વાયુ પ્રદુષણ માપવા માટે જીપીસીબી કન્ટીન્યુઅસ એબ્મીયન્ટ એર કવોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવા નવસારી પાલિકાને પત્ર લખ્યો છે. જીપીસીબીના પત્ર અંતર્ગત અહીંની નવસારી પાલિકાની મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં સરકારના એર કવોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવાના સૂચનને માન્ય રાખ્યો હતો. અંગે પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે અમે હાલ શહેરમાં બે સ્ટેશનો સ્થાપવાનું નક્કી કર્યુ છે. જેમા એક શહેરના પૂર્વ બાજુએ તથા પશ્ચિમ બાજુએ મુકાશે.

ઉલ્લેખનીય છે કે એર સ્ટેશનો બનવાથી ખાસ કરીને શહેરમાં વધેલ અધધ વાહનોથી ફેલાતા પ્રદુષણની જાણ તો થશે સાથે માટી, ઉદ્યોગ વગેરેના ધુમાડાથી ફેલાતા પ્રદુષણની માત્રા પણ ખબર પડશે.

જીપીસીબીએ નવસારી પાલિકાને એર કવોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવા કહી દીધુ અને પાલિકાએ આદેશ માથે પણ ચઢાવી દીધો પરંતુ હવે પાલિકા અવઢ‌વમાં છે. પોલ્યુશન કંટ્રોલ પાલિકાનો વિષય નથી અને તે માટેના ટેકનિકલ માણસો નથી ત્યારે એર પોલ્યુશન કેવી રીતે માપવું, એર સ્ટેશન કેવું બનાવવું વગેરે બાબતે જાણકારી હોવાથી મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે.

જીપીસીબી નવસારી પણ સક્રિય 
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગરનો વાયુ પ્રદુષણ અંગે સ્ટેશન સ્થાપવાનો આદેશ માત્ર પાલિકાને કર્યો નથી પરંતુ જીપીસીબીના નવસારીના સ્થાનિક એકમને પણ કર્યો છે. જીપીસીબી નવસારી એકમના અધિકારી મુરલી ક્રિશ્નને જણાવ્યું કે સરકારના આદેશ હેઠળ અમે પણ એરસ્ટેશનો બનાવીશું. હાલ તો એક સ્ટેશન કબીલપોર જીઆઈડીસી વિસ્તારમાં સ્થાપવાની તથા બીજુ નવસારી શહેરમાં સ્થાપવાની વિચારણા છે. પાલિકાને થયેલા આદેશની જાણકારી નથી.