1 June 2017

નવસારીના દરગાહ રોડ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદ


નવસારીના દરગાહ રોડના કેટલાક રહેણાંક વિસ્તારમાં પાલિકાનું દુષિત પાણી આવવાની ફરિયાદ ઉઠી છે. જેને લઇ લોકોનું આરોગ્ય જોખમાઇ રહ્યું છે. ત્યારે તંત્ર તાકિદે સમસ્યાનું નિવારણ કરે તેવી માંગ રહીશો કરી રહ્યા છે. દુષિત પાણીના ફોટો સોશિયલ મિડિયા પર પણ વાઇરલ થતાં મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નવસારીના દરગાહ રોડ નજીકનો રહેણાંક વિસ્તાર વોર્ડ નં. 6 અને 10મા સમાયેલો છે. એમાંના કેટલાક વિસ્તારમાં પાલિકાનું પાણી અવારનવાર દૂષિત આવતું હોવાની ફરિયાદ ઉઠી છે. તાડ મહોલ્લો, ઘાટીવાડ, મલેકવાડ નજીકના વિસ્તારમાં ફરિયાદ રહે છે.

ગત સોમવારની રાત્રિએ પાલિકા દ્વારા અપાયેલા પાણી પણ દુષિત આવ્યું હોવાની જાણકારી મળી છે. મળતી માહિતી મુજબ સોમવારે દરગાહ રોડના કેટલાક વિસ્તારોમાં પાવર કાપના કારણે દિવસે પાણી અપાયું હતું અને રાત્રે પાણી અપાયું હતુ.

રાત્રે અપાયેલા પાણી દુષિત આવવાની ફરિયાદ ઉઠી છે. મલેકવાડની નજીક રહેતા શશીકાંત રાઠોડ નામના શખ્સે વાતની પૃષ્ટિ આપી છે. વધુમાં રાત્રે આવેલા દુષિત પાણીના ફોટા પણ સોશિયલ મિડિયામાં ફરતા થયા હતા.

અંગે નવસારી પાલિકાના વોર્ડ નં. 10ના કોર્પોરેટર ઈકબાલ ઉસ્માનીએ જણાવ્યું કે દરગાહ રોડના કેટલાક વિસ્તારમાં ઘણાં સમયથી ખરાબ પાણીની ફરિયાદ છે. કેટલોક વિસ્તાર વોર્ડ નં. 6માં આવે છે, જેમાથી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ પણ ચૂંટાયેલા છે. પાલિકામાં સાધારણ કામો પણ પ્રમુખના હુકમથી કરાય છે ત્યારે પાણી જેવી ગંભીર સમસ્યા ઉકેલવા પ્રમુખના હુકમથી તાકિદે કામ હાથ ઉપર લેવું જોઈએ.

અંગે નવસારી પાલિકાના પ્રમુખ અલકાબેન દેસાઈએ જણાવ્યું કે સમસ્યા બાબતે પાણી વિભાગને સૂચના આપી તાકિદે હલ કરવામાં આવશે.