2 June 2017

108 કર્મચારીઓના નોકરીના હકો છીનવી લેવાયા છે


લોકોના દુ:ખ દર્દોમાં હંમેશા ખડા રહેતા 108 કર્મચારીઓના દુ:ખ કોઈ દૂર કરતું નથી. આજે ગુરૂવારે નવસારી જિલ્લાના 108 કર્મચારીઓએ પોતાના દુ:ખો અને મુશ્કેલીની આપવિતી કલેકટર સમક્ષ વર્ણવી હતી. 108 કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ 9 વર્ષથી નવસારી જિલ્લામાં પોતાની સેવા બજાવી રહ્યા છે. રાત-દિવસ હોય, ઠંડી-વરસાદ યા ગરમી હોય, તહેવાર હોય કોઈપણ સમય હોય માનવીની જિંદગી બચાવવા અગ્રેસર રહ્યા છે પરંતુ તેમના જ પ્રશ્નોનો ઉકેલ સરકાર લાવતી નથી.

ધાકધમકી આપી કર્મચારીઓના અવાજને દબાવી દેવાની નીતિ
108 કર્મચારીઓએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી ઓછા કર્મચારીઓથી 108ને ચલાવી ઈએલ, પીએલ તથા પોતાના વીકઓફ, સમયસરની રજા પણ મળતી નથી. પીએલ ન વપરાય તો ઈનકેશમેન્ટ કરી દિવાળી જેવા તહેવાર વખતે ઉપાડી તહેવાર ઉજવતા હતા પરંતુ પીએલ ઈનકેશમેન્ટ પણ આઠ મહિનાથી બંધ કરી દેવાયું છે. ઓવરટાઈમની અવગણના કરી 12 કલાકનું કામ લેવાઈ રહ્યું છે. જાહેર રજાના દિવસે ડબલ પગાર મળતો હતો તે પણ બંધ કરી દીધો છે. 108 કર્મચારીઓએ એવો આક્ષેપ પણ કર્યો છે કે કર્મચારીઓને એસ્મા એકટની ધાકધમકી આપી કર્મચારીઓના અવાજને દબાવી દેવાની નીતિ પણ અપનાવાઈ રહી છે.

કર્મચારીઓને નાની ભૂલોમાં હેરાન ન કરવા
કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં કેટલીક માગો કરી છે. જેમાં 108 કર્મીઓનો વર્ગ-3મા સમાવેશ કરવો, સરકારના તમામ લાભો આપવા, દિવાળીનું બોનસ જાહેર કરવું, કર્મચારીઓને નાની ભૂલોમાં હેરાન ન કરવા, અનુભવ અને સિનિયોરિટી પ્રમાણે કેટેગરી રાખવી વગેરેનો સમાવેશ કરવો વગેરેનો સમાવેશ થાય છે.