3 June 2017

નવસારીમાં કચરાને ઉપજાઉ બનાવવાની તૈયારી


નવસારી પાલિકા 5મી જૂન પર્યાવરણ દિવસથી શહેરના કચરાને ક્રમશ: ઉપજાવ બનાવાશે. શહેરમાંથી કચરો સૂકો અને ભીનો અલગ અલગ ઉઘરાવી ખાતર બનાવશે. રાજ્ય સરકારે નગરપાલિકાઓને જે કચરો ઉઘરાવે છે તેને લોકોના ઘર આંગણાથી જ સૂકો અને ભીનો કચરો અલગ 5મી જૂનથી મેળવવા જણાવ્યું છે ત્યારબાદ આ સૂકા-ભીના કચરામાંથી ખાતર બનાવવાના દિશાનિર્દેશ પણ આપ્યો છે.

અલગ અલગ મેળવેલા કચરામાંથી ખાતર બનાવી આવક મેળવાશે
સરકારના દિશાનિર્દેશને કાર્યન્વિત કરવાની તૈયારી અહીંની નગરપાલિકાએ કરી દીધી છે.  નવસારી નગરપાલિકા અહીંના 70 હજારથી વધુ મિલકતધારકોને સૂકો અને ભીનો કચરો આપવા લીલા અને ભૂરા એમ બે રંગના ડસ્ટબીન આપવાનો નિર્ણય કર્યો છે. આ ડસ્ટબીનોમાં શહેરીજનો પોતાના ઘર-ઓફિસેથીજ સૂકો-ભીનો કચરો અળગ તારવી પાલિકાઓને આપશે. આ અલગ તારવી મેળવેલો સૂકો-ભીનો કચરો નગરપાલિકા તેની ડમ્પિંગ સાઈડ બંદર રોડ ઉપર લઈ જશે અને ભીના કચરામાંથી ખાતર બનાવશે. સૂકા કચરાનો પણ ઉપજાવ ઉપયોગ કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે પાલિકાએ કચરાના સ્થળે અગાઉથી જ પ્લાન્ટ ઉભો કર્યો છે. હાલ સુધી તો આ પ્લાન્ટ ઉપર મોટાભાગે કચરાના વર્ગીકરણની કાર્યવાહી જ થતી હતી પરંતુ હાલ કચરામાંથી ખાતર બનાવવાની શરૂઆત પણ કરી હોવાની જાણકારી મળી છે. આ અંગે નવસારી પાલિકાના સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે 5મી જૂન પર્યાવરણ દિવસથી તમામ મિલકતધારકોને તો બે ડસ્ટબીન આપી અલગ અલગ કચરો ઉઘરાવવાનું શક્ય ન હોય પ્રથમ તબક્કે 500 જેટલા મિલકતધારકોને ડસ્ટબીનો આપી સૂકો-ભીનો કચરો અલગથી પાલિકા લેશે.

સરકારના આદેશમાં મુશ્કેલી-વિસંગતતા
સૂકા-ભીના કચરા માટે સરકારે આપેલ આદેશમાં વિસંગતતા અને મુશ્કેલીઓ પણ છે. સરકારને તમામ ઘરો-મિલકતોમાં સૂકા અને ભીના કચરા માટે બે બે ડસ્ટબીનો આપવાનો આદેશ આપ્યો છે. જોકે આ માટે મોટો ખર્ચ થશે. આ ખર્ચની રકમ કોણ આપશે તે નક્કી નથી. સરકાર ગ્રાંટ આપશે? પાલિકાએ ખર્ચવી પડશે કે લોકોએ નાણાં આપવા પડશે ? ડસ્ટબીનોમાં મેળવેલ સૂકો-ભીના કચરામાંથી સોસાયટીઓમાં જ કમ્પોસ્ટ પ્લાન્ટ નાંખી ખાતર બનાવવાની વાત પણ સરકારે કરી છે. જોકે આ નાના કમ્પોસ્ટ માટે 4થી 8 લાખ ખર્ચ થશે. આ ખર્ચ સોસાયટી કરશે કે પાલિકા? કમ્પોસ્ટ કામગીરીની નિગરાની કોણ રાખશે? સોસાયટીઓ આ માટે કેટલી આગળ આવશે?