4 June 2017

નવસારીના સંજય ભગતને USમાં એવોર્ડ, આ સન્માન મેળવનાર એકમાત્ર ભારતીય


નવસારીમાં જમાલપોર ખાતે રહેતા સામાજિક કાર્યકર અને શ્રી ઠાકોરભાઈ રણછોડજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટના સંજયભાઈ નાયક (ભગત)ને અમેરિકામાં ભારત સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગ્લોરિયસ ઈન્ડિયાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય છે. અમેરિકામાં ભારત સરકારની વિવિધ સંસ્થાઓ અને અમેરિકામાં કાર્યરત ભારતીયોની અનેકવિધ સંસ્થાઓ દ્વારા સંચાલિત ગ્લોરિયસ ઈન્ડિયા એવોર્ડ નવસારીને અડીને આવેલા જમાલપોરના સામાજિક કાર્યકર સંજયભાઈ ઠાકોરભાઈ નાયક (ભગત)ને એનાયત કરવામાં આવ્યો છે.

નવસારીના સંજય ભગતને USમાં ગ્લોરિયસ ઈન્ડિયા એવોર્ડ
નવસારી જિલ્લામાં વર્ષોથી શ્રી ઠાકોરભાઈ રણછોડજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજયભાઈ ભગતના સહયોગથી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવ્યો છે. સંજયભાઈ ભગત યુવાનોને રમતગમતની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં જોડવાનું ભગીરથ કાર્ય કરતા રહ્યા છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રમાં બ્લડ ડોનેશનથી લઈ મેડિકલ સહાય માટે વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવેછે. નવસારી-ડાંગ જિલ્લામાં ગરીબોની આર્થિક મદદ ઉપરાંત સમૂહલગ્નનું આયોજન, રમતગમત, શૈક્ષણિક, ધાર્મિક પ્રવૃત્તિઓ, આરોગ્યલક્ષી સેવા માટે તેઓ કાર્યરત છે. આ બધી સામાજિક, આર્થિક, સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અમેરિકામાં ભારતીયોની વિવિધ સંસ્થાઓએ સંજયભાઈ ભગતની નોંધ લીધી હતી.

અમેરિકાના ન્યૂજર્સી ખાતે એડિશન ટાઉનમાં અમેરિકામાં ભારત સરકારની વિવિધ સંસ્થાઓ અને અમેરિકાની ભારતીય સંસ્થાઓ દ્વારા સંજયભાઈ ભગતને ગ્લોરિયસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભારત સરકારમાંથી ગુજરાતના આઈએએસ સીએમઓ ઓફિસના અધિકારી ભાગ્યેશ ઝાના હસ્તે આ એવોર્ડ સંજય ભગતને એનાયત કરાયો હતો. જેના પગલે અનાવિલ સમાજમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.