7 June 2017

નવસારીમાં ડૉકટરોએ બંધ પાળતા તબીબી સેવા ખોરવાઈ


મોટાભાગના ખાનગી તબીબોએ સરકારની નીતિના વિરોધમાં તથા કેટલીક માંગોના સમર્થનમાં આજે મંગળવારે સવારે 8થી 2 વાગ્યા સુધી દવાખાના-હોસ્પિટલો બંધ રાખતા તબીબી સેવા ખોરવાઈ હતી. જોકે ઈમરજન્સી સેવા કાર્યરત રહી હતી.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ઘણાં લાંબા સમયની પડતર માંગોના સમર્થનમાં તથા સરકારની કેટલીક નીતિઓના વિરોધમાં આજે 6 જૂને એસો. દ્વારા હોસ્પિટલ તથા દવાખાનાનો સવારે 8થી બપોરે 2સુધી બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. એલાનને નવસારી પંથકમાં સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો હતો. સવારથી બપોરના સમય સુધીની ઓપીડી સેવા મોટાભાગના ખાનગી તબીબોએ બંધ રાખી હતી. મહત્તમ દવાખાના સવારે ખુલ્યા હતા અને બહાર બંધના બોર્ડ લાગ્યા હતા. દવાખાના ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ ઓપીડી સેવા બંધ રહી હતી. ઓરેંજ હોસ્પિટલના એક સંચાલક કેયુર દેસાઈએ જણાવ્યું કે અમારી હોસ્પિટલમાં આજે સવારે ઓપીડી તમામ સેવા બંધ રહી હતી. નવસારી ટ્રસ્ટની અનેક હોસ્પિટલો છે ત્યારે તેમા પણ ઓપીડી સેવા બંધ રહી હતી. શહેરના મોટાભાગના ખાનગી તબીબો સવારે બંધમાં જોડાતા સવારના સમયે તબીબી સેવા ખોરવાઈ હતી. જોકે મહત્તમ હોસ્પિટલમાં ઈમરજન્સી સેવા કાર્યરત રહી હતી. જેથી લોકોને ઈમરજન્સી તબીબી સેવા લેવામાં મુશ્કેલી પડી ન હતી. બપોરે 2 વાગ્યા બાદ તબીબી સેવા પુન: રાબેતા મુજબ કાર્યરત થઈ ગઈ હતી.

સરકારી તબીબી સેવા કાર્યરત 
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના એલાનને પગલે ખાનગી તબીબી સેવા તો સવારે ખોરવાઈ હતી પરંતુ સરકારી તબીબી સેવા કાર્યરત રહી હોવાની જાણકારી મળી છે. શહેર ઉપરાંત ગામડાઓમાં સરકારી તબીબી સેવાનું મોટુ નેટવર્ક છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નવસારીમાં સિવિલ હોસ્પિટલ પણ છે. સરકારી દવાખાના-હોસ્પિટલો રાબેતા મુજબ કાર્યરત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કન્નરે જણાવ્યું કે જિલ્લામાં તમામ સરકારી તબીબી સેવા રાબેતા મુજબ કાર્યરત રહી હતી અને સરકારી તબીબો બંધમાં જોડાયા હતા.

ઈમરજન્સી તથા સરકારી તબીબી સેવા કાર્યરત રહી. ડોકટરોનો સમૂહ કલેકટરાલયમાં 
નવસારીમાં ખાનગી તબીબોએ મંગળવારે સવારે દવાખાના-હોસ્પિટલમાં ઓપીડી સેવા બંધ તો રાખી હતી સાથે પોતાની માંગણીની રજૂઆત કરવા ડોકટરોનો સમૂહ કલેકટરાલય પહોંચ્યો હતો ત્યાં કલેકટર રવિ અરોરાને મળી પોતાની અનેક પડતર માગો અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું. સાથોસાથ ડોકટરોને સ્પર્શતા અનેક મુદ્દાઓ ખાસ કરીને ભીડના હુમલા, ડોકટર વિરૂદ્ધના કેસો સંદર્ભે રૂબરૂ મૌખિક રજૂઆતો પણ કરી હતી. મોટી સંખ્યામાં તબીબો કલેકટરને રજૂઆત વેળા હાજર રહ્યા હતા.