7 June 2017

સિસ્ટમ અપગ્રેડ થતાં વાહનધારકોને RC બુક માટે ધક્કા


નવસારીની આરટીઓ કચેરીમાંથી આરસી બુક વાહનધારકોને નહીં મળતા વાહનધારકો કચેરી સુધી ધરમધક્કા ખાઈ રહ્યા છે. અંદાજિત 3 હજારથી વધુ વાહનધારકોને છેલ્લા 20 દિવસથી આરસી બુક મળી નથી. જેના કારણે વાહનધારકોમાં ઉહાપોહ મચ્યો છે.

નવસારીની ગણેશ સિસોદ્રા ગામની હદમાં હાઈવે નં. 8 ઉપર આવેલા આરટીઓ કચેરીમાં છેલ્લા 20 દિવસથી આરસી બુકનું કામકાજ બિલકુલ ઠપ થઈ ગયું છે. કચેરીમાં વાહન નોંધણી કરનારા વાહનધારકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ આરસી બુક પોસ્ટ દ્વારા ઘરબેઠા મોકલવામાં આવે છે. રોજબરોજ 100થી વધુ આરસી બુક અગાઉ કાઢીને તેને પોસ્ટ દ્વારા વાહનધારકોને મોકલી દેવાતી હતી. છેલ્લા 20 દિવસથી સ્થિતિ બદલાઈ ગઈ છે. આરટીઓ કચેરીમાં માત્ર રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે પરંતુ આરસી બુકમાં ડેટા પ્રિન્ટ નહીં થતા હોવાને કારણે વાહનધારકોને આરસી બુક પહોંચાડવામાં આવતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે 27મી એપ્રિલથી નવસારી આરટીઓ કચેરીમાં સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી છે. અગાઉ સોફટવેર વાહન-2માં નોર્મલ રીતે રજિસ્ટ્રેશન કરાતું હતું પરંતુ હવે નવી સિસ્ટમ અપગ્રેડને કારણે વાહન-4મા રજિસ્ટ્રેશન કરાઈ રહ્યું છે. જોકે સિસ્ટમ અપગ્રેડેશન પછી વાહનધારકોને ઝડપભેર આરસી બુક મળી જાય તેવું મનાય રહ્યું હતું. તેનાથી ઉલટુ સિસ્ટમાં એપગ્રેડેશન પછી પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને જે સરળ રીતે કામગીરી ચાલતી હતી તે હવે પેચીદી બની ગઈ છે. સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં સિસ્ટમ અપગ્રેડ કરવાનો ઉમદા પ્રયાસ હતો પરંતુ તેનો લાભ લોકોને મળતો નથી. આર.સી.બુક નહીં મળવાને કારણે રોજબરોજ વાહનધારકો નવસારી આરટીઓ કચેરીએ આરસી બુક અંગે પૂછવા અને તે મેળવવા ધરમધક્કા ખાઈ રહ્યા છે.

ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ છે, બે દિવસમાં ચાલુ થશે 
સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં નવુ સોફટવેર વાહન-4ની શરૂઆત કરી છે. સોફટવેર બાદ છેલ્લા કેટલાક દિવસથી રજિસ્ટ્રેશન બાદ આરસી બુક પ્રિન્ટ થવી જોઈએ તે થતી નથી. ટેકનિકલ ફોલ્ટ છે. તે બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી દેવામાં આવી છે. બે દિવસમાં તે શરૂ થશે. તે પછી વાહનધારકોને આરસી બુક ઈસ્યુ કરી દેવાશે. - એ.એમ.પરમાર, એઆરટીઓઅધિકારી, નવસારી