9 June 2017

દાંડીમાં વિજલપોરના બે યુવાનોનાં ડૂબી જતાં મોત


દાંડીના દરિયામાં નહાવા ગયેલા વિજલપોરના 7 યુવાનો પૈકી 2 યુવાનો દરિયામાં ગરક થઈ ગયા હતા. આ ડુબી ગયેલા બે યુવાનોના મોડી સાંજે મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે વિજલપોર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

7 યુવાનો 2 બાઈક ઉપર દાંડીના દરિયા કાંઠે પહોંચ્યા હતા
ઐતિહાસિક દાંડીના દરિયાકાંઠે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો હરવાફરવા ઉમટી પડે છે. દાંડીના સહેલગાહે કેટલાક લોકો દરિયામાં નહાવાની મજા પણ માણતા હોય છે. વિજલપોરમાં રહેતા કિરણ ચંદ્રકાંત પાટીલ (ઉ.વ. 22, રહે. સહયોગ સોસાયટી), મહેન્દ્ર વિજયભાઈ પાટીલ (ઉ.વ. 21, અલકાપુરી સોસાયટી, આદર્શનગર), ગોરખ યુવરાજ પાટીલ (ઉ.વ.24, અલકાપુરી સોસાયટી, રત્નકલાકાર), નિલેશ પંઢરીનાથ સાળુંકે (ઉ.વ. 18, અલકાપુરી સોસાયટી, અભ્યાસ), સ્વપ્નીલ પ્રભાકર પવાર (ઉ.વ. 22, અલકાપુરી સોસાયટી, અભ્યાસ), સચીન ઈશ્વર ચૌધરી (ઉ.વ. 18, અલકાપુરી સોસાયટી, નોકરી) અને ભૂષણ ચંદ્રકાંત પાટીલ (ઉ.વ. 19, અલકાપુરી સોસાયટી, અભ્યાસ) બપોરે 2 બાઈક ઉપર દાંડીના દરિયા કાંઠે પહોંચ્યા હતા અને દરિયામાં નહાવાની મોજ માણી હતી.

ઘરે જવા માટે તેમની શોધખોળ કરતા પત્તો ન લાગ
આ સાતેય યુવાનો પૈકી કિરણ ચંદ્રકાંત પાટીલ અને મહેન્દ્ર પાટીલ ફરીથી દરિયામાં નહાવા પડ્યા હતા ત્યારબાદ તેઓ દાંડીના દરિયામાં ગરક થઈ ગયા હતા. બીજી તરફ તેમના અન્ય મિત્રોને આ બાબતનો અંદાજ પણ ન હતો. ઘરે જવા માટે તેમની શોધખોળ કરતા તેઓનો પત્તો ન લાગતા તેઓનો જીવ તાળવે ચોંટ્યો હતો અને તે બંનેની શોધખોળ હાથ ધરી હતી. એ દરમિયાન મોડી સાંજે 7.45 કલાકની આસપાસ કિરણ ચંદ્રકાંત પાટીલની લાશ દરિયાકાંઠે મળી આવી હતી.

ફાયરકર્મીઓએ બે યુવાનોની શોધખોળ હાથ ધરી
આ ઘટનાની જાણ થતાજ આ યુવાનોએ વિજલપોરમાં તેમના પરિવારજનો અને મિત્રમંડળને જાણ કરી હતી. બીજી તરફ દાંડીના યુવાનો પણ આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ધસી ગયા હતા અને અન્ય યુવાન મહેન્દ્ર પાટીલની દરિયામાં શોધખોળ હાથ ધરી હતી. આ ઘટના સંદર્ભે જલાલપોર પોલીસ અને નવસારી-વિજલપોર ફાયરબ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરકર્મીઓએ પણ ઘટનાસ્થળે ધસી જઈ મહેન્દ્ર પાટીલની શોધખોળ હાથ ધરી હતી.