10 June 2017

વિજલપોરમાં માટી ભરેલી ટ્રકે વરસાદી ગટર તોડી નાંખી


વિજલપોરના રામનગર વિસ્તારમાં તાજેતરમાં બનાવેલી વરસાદી ગટર ઉપરથી ભારેખમ માટી ભરેલી ટ્રક પસાર થતા ગટર તોડી નાંખી હતી અને ટ્રક ગટરમાં ખૂપી જતા બહાર કાઢવામાં નવનેજા પડ્યા હતા. વિજલપોરના અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ગટરો બનાવવામાં આવી હતી. જેમાં શહેરના વોર્ડ નં. 12માં આવેલા રામનગર વિસ્તારની વરસાદી પાણીની ગટરનો પણ સમાવેશ થાય છે.

ગટરમાં ફસાયેલી ટ્રકને ક્રેઈનથી બહાર કઢાઈ , વરસાદી ગટર તૂટી જતા રિપેર માટે પાલિકા તંત્ર દોડતુ થઈ ગયું

મળતી માહિતી મુજબ ગટર નજીકથી માટી ભરેલી હાઈવા ટ્રકો હાલમાં ફેરા મારી હતી. જેમાં એક ફેરા વેળા ટ્રક વરસાદી ગટર ઉપર જઈ ચઢતા ગટરનો કેટલોક ભાગ તૂટી જવા પામ્યો હતો. ટ્રક તૂટી ગયેલી ગટરમાં ફસાઈ ગઈ હતી. આખરે મહામુસીબતે ક્રેઈન લાવી ભારેખમ ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. ચોમાસા અગાઉ જ વરસાદી ગટર તૂટી જતા રિપેર માટે પાલિકા તંત્ર દોડતુ થઈ ગયું હતું. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ 50 ટનથી વધુ વજન ધરાવતી માટી ભરેલી ટ્રકના વજનથી ગટરનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.