12 June 2017

નવસારી શહેરનાં બે તળાવો બિસમાર હાલતમાં


નવસારી શહેરમાં આવેલા તળાવોમાં ભારે અસમાનતા જોવા મળી રહી છે. જ્યાં સારી કક્ષાના ત્રણ તળાવોને વધુ ટીપટોપ બનાવાઈ રહ્યા છે ત્યાં બંજર હાલતમાં રહેલા બે તળાવો સામે પાલિકા નજર પણ દોડાવતી નથી.

નવસારી શહેરમાં અનેક તળાવો આવેલા છે. જેમાં કેટલાક સારી હાલતમાં છે તો કેટલાક બદતર ખરાબ હાલતમાં છે. નગરપાલિકા તળાવોના વિકાસની જે નીતિ અપનાવી છે તેમાં હાલ અસમાનતા જોવા મળી રહી છે.

હાલમાં જે નગરપાલિકાએ શહેરના ત્રણ તળાવોનો સરકારની આગવી ઓળખની કુલ 5 કરોડ રૂપિયાની વધુ વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય બાબત છે કે જે ત્રણ તળાવો પાલિકાએ પસંદ કર્યા છે દુધિયા તળાવ, સરબતિયા તળાવ અને થાણા તળાવ અગાઉથી સારી હાલતમાં પાણીથી લથપથ છે. તેને સારી હાલતમાંથી વધુ સારા ટીપટોપ બનાવાઈ રહ્યા છે. બીજી બાજુ નવસારી શહેરના બે તળાવો અત્યંત ખરાબ બંજર હાલતમા છે. બે તળાવોમાં શાકભાજી માર્કેટ નજીકનું તળાવ અને અલીફનગર તળાવનો સમાવેશ થાય છે. બે તળાવોમાં નહીંવત પાણી છે અને જે પાણી છે તે ખરાબ દેખાય છે, જ્યાંને ત્યાં વનસ્પતિ ઉગી નીકળી છે, કચરો પણ છે. પિચિંગ પણ તૂટી રહ્યા છે. તળાવ ફરતેના ફેન્સિંગ પણ તૂટી ગયા છે. બંને તળાવના વિકાસની યા મરામતની જરૂર છે છતાં પાલિકા તેની સામે નજર પણ દોડાવતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

અંગે નવસારી પાલિકાના પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન જયંતિભાઈ ગોપાણીએ જણાવ્યું કે સરકારની અમૃત યોજના અંતર્ગત આગવી ઓળખના કામો માટે ગ્રાંટ મળે છે જેમાં વરસે ત્રણ તળાવોના વિકાસના કામો લીધા છે. આગામી વર્ષે ઉક્ત ગ્રાંટમાંથી તબક્કાવાર બાકીના તળાવોનો વિકાસ પણ કરવામાં આવશે.

નવસારી પાલિકા દ્વારા ઓરમાયુ વર્તન કરવામાં આવતા બદતર હાલત થઈ ગયેલ શાકમાર્કેટ તળાવ અને અલીફનગર તળાવમાં તળાવમાં જંગલી વન્સપતિ અને જળકુંભીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તસવીર-ભદ્રેશનાયક

બંને તળાવોમાં લાખોનો ખર્ચ એળે ગયો
નવસારીમાં બદતર હાલત થઈ ગયેલ શાકમાર્કેટ તળાવ અને અલીફનગર તળાવમાં પાલિકાએ ભૂતકાળમાં ખર્ચ કર્યો હતો. અલીફનગર તળાવમાં 7-8 વર્ષ અગાઉ 25થી 30 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત શાકમાર્કેટ તળાવમાં પણ નગરપાલિકાએ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે ખર્ચ કર્યા બાદ વર્ષ દરમિયાન નિભાવની જે કામગીરી થવી જોઈએ તે થઈ નથી. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષથી બંને તળાવોની હાલત ખરાબ થઈ ગઈ છે.