12 June 2017

નવસારીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષા સંદર્ભે માર્ગદર્ન અપાયું


બોર્ડની પરીક્ષાઓ અને તેના પરિણામોએ મોટા ભાગના વિદ્યાર્થીઓનું જીવન આકરું કરી નાંખ્યું છે. તેમાયે ઘણા નાપાસ થનારા કે ઓછા ટકા લાવનારા મહદઅંશે નાસીપાસ થઇ જતા હોય છે. તેમનો આત્મવિશ્વાસ ડગી જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ જીવન પણ ટુંકાવી દે છે. બોર્ડની પરીક્ષામાં ધાર્યુ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે છેલ્લા 27 વર્ષથી ચારિત્ર્ય ઘડતરના ક્ષેત્રે સક્રિય સંસ્થા ઓએસિસ દ્વારા યુવા પ્રતિભા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરની અનેક શાળાઓના સેકડો વિદ્યાર્થીઓ વાલીઓ તથા જાગૃત શિક્ષકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સમાજના કેટલાક એવા પ્રતિષ્ઠિત નાગરિકો સાથે વિદ્યાર્થીઓએ વાર્તાલાપ કર્યો હતો કે જેઓ પોતે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હતાં.

નવસારીની વિદ્યાકુંજ સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડો.ધર્મવીર ગુર્જર ઇન્ચાર્જ આચાર્ય, ગાર્ડા કોલેજ નવસારીએ સંબોધીને કહ્યું હતું કે પોતે પણ જીવનમાં આવી ઘણી બધી પરિસ્થિતિમાંથી પસાર થયા છે કે જેમાં હતાશા આવી જાય,નિરાશ થઇ જવાઇ પણ ક્યારેય હિંમત નથી હારી અને પોતાના જીવનના ઉદાહરણો દ્વારા બાળકોને ખુબ સુંદર રીતે માર્ગદર્શન આપ્યું. સાથે સંદીપ પ્રાથમિક શાળાના આચાર્ય શ્વેતાબેન દેસાઇ કહ્યું કે જીવનમાં કોઇ પણ સંજોગોમાં હાર માનવી નહી, એક યોધ્ધાની માફક લડત આપવી. હંમેશા ડરથી ઉપર રહેવું, કશું નુકશાન થવાનું નથી. સતત શીખતા રહી આગળ વધવાનું છે. નિષ્ફળતા જેવું કશું જીવનમાં હોતું નથી. હંમેશા આગળ વધતા જવાનું છે. પરિસંવાદમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ એવા સવાલો પૂછ્યા કે ખૂબ ટેન્શન આવી જાય ત્યારે શું કરવું? હતાશાની લાગણીમાંથી બહાર કઇ રીતે આવવું? આવી પરિસ્થિતિમાં કોઇ સાથનાં આપે તો કોને કહેવું? એવું લાગે હવે જીવનમાં કશું નથી રહ્યું ત્યારે પોતાની જાતને કઇ રીતે સાચવવી? જેવા અનેક પ્રશ્નોની બાળકોએ ખુલ્લા મને આમંત્રિત મહેમાનો સાથે ચર્ચા કરી. વાર્તાલાપ દરમિયાન અન્ય આમંત્રિત મહેમાન ઉમેશભાઇ શિક્ષક ડિવાઇન સ્કુલ નવસારીએ પણ વિદ્યાર્થીઓને પોતાના જીવનની વાતોથી પ્રેરણા આપી અને કહ્યું હતું કે જીવન એક ખેલ છે હંમેશા ખેલદીલીથી રમવાનું છે. સમગ્ર વાર્તાલાપ અત્યંત રસપ્રદ અને જીવંત રહ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડિવાઇન પબ્લીક સ્કુલ, નવસારીનાં આચાર્ય નેહાબેન વ્યાસે કર્યુ હતુ.

શિક્ષણનો હેતુ પરીક્ષામાં નહીં, જીવનમાં પાસ થવાનો છે