15 June 2017

નવસારી શહેરને પાલિકા બાંકડાઓથી ભરી દેશે


નવસારી શહેર આગામી દિવસોમાં બાકડાઓથી ભરાઈ જશે. શહેરમાં હાલ 300 જેટલા બાકડા છે ત્યાં વધુ 300 બાકડા મુકવાનો નિર્ણય લેતા દરેક વોર્ડમાં 55 બાકડા થઈ જશે.

નવસારી શહેરમાં સરકારી ખર્ચે અગાઉના સમયમાં બાકડાઓ મુકાતા હતા. જોકે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ધારાસભ્યની ગ્રાંટ, સરકારી ગ્રાંટ યા પાલિકાના સ્વભંડોળમાંથી બાકડાઓ મુકવાની પરંપરા શરૂ થઈ છે. જલાલપોર સહિતના નવસારી શહેરમાં ધારાસભ્ય ગ્રાંટમાંથી ઘણાં બાકડા મુકવામાં આવ્યા છે. અંદાજે 250થી 300 બાકડાઓ તો મુકી દેવાયાની જાણકારી પાલિકા વર્તુળમાંથી મળી છે. ઠેર ઠેર બાકડાઓ મુકાયેલા જોવા મળે છે. જોકે આટલા બાકડાઓ ઓછા હોય ત્યાં નગરપાલિકાએ વધુ 300 બાકડાઓ મુકવાનો નિર્ણય તાજેતરમાં મળેલી પબ્લિક વર્કસ કમિટીમાં લેવાયો હતો. વધુ 300 બાકડાઓ આવતા શહેરમાં 600 બાકડાઓ થઈ જશે. જેથી શહેરભરમાં બાકડાઓ જ બાકડાઓ દેખાશે! પાલિકા આટલી મોટી સંખ્યામાં બાકડાઓ મુકવાનો નિર્ણય કેમ લે છે શું લોકોની ડિમાન્ડ છે.

આ અંગે નગરપાલિકાની પબ્લિક વર્કસ કમિટીના ચેરમેન જયંતિ ગોપાણીએ જણાવ્યું કે બાકડાઓની માંગ લોકો સુધરાઈ સભ્યોને કરે છે અને સુધરાઈ સભ્યો પાલિકાને જાણ કરતા બાકડાઓ મુકવાનો નિર્ણય લેવાય છે.

બાંકડાઓનો વિરોધ પણ થાય છે 
નવસારી શહેરમાં બાંકડાઓ મુકવાની બધા માગ કરે છે, તરફેણ કરે છે એવું પણ નથી. અનેક લોકો વિરોધ પણ કરતા હોવાની જાણકારી મળી છે. ખુદ પ.વ. કમિટી ચેરમેન ગોપાણીએ પણ આવો વિરોધ થયાની વાત કરી છે. થોડા સમય અગાઉ જલાલપોર વિસ્તારમાં તો મહિલાઓનો મોરચો પણ પાલિકામાં આવ્યો હતો. મહિલાઓએ બાકડા ઉપર અડિંગો જમાવતા લોકોથી મહિલાઓ મુશ્કેલીમાં મુકાતી હોવાની રાવ પણ કરી છે. ખાનગી રાહે પણ ફરિયાદ થયાનું જાણવા મળે છે.