16 June 2017

દૂધિયા તળાવની પાળે શૌચાલય બનાવી દેવાતાં વિવાદની શક્યતા

નવસારી નગરપાલિકા દ્વારા દુધિયા તળાવની પાળે શૌચાલય બનાવવાની શરૂ થયેલી કામગીરીને લઈને ચોમેરથી વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે. જેને લઈને પે એન્ડ યુઝ શૌચાલયની કામગીરી ઉપર બ્રેક લાગે તેવી શક્યતા છે. ઉપરાંત મુદ્દે પાલિકાની આગામી સામાન્ય સભામાં પણ ચડભડ થવાની શક્યતા વર્તાય રહી છે.

નવસારી પાલિકાના સત્તાધિશોએ જ્યાંથી શહેરભરના લોકોને પીવાનું પાણી સપ્લાય થાય છે તે દુધિયા તળાવની પાળ ઉપર પે એન્ડ યુઝ શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારીવાસીઓને દુધિયા તળાવમાથી પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. સવાર અને સાંજ બે ટાઈમ આજ તળાવમાંથી ફિલ્ટર કરીને પાણી લોકોના ઘરે પહોંચાડવામાં આવે છે. જેનો નવસારીના હજારો લોકો પીવામાં ઉપયોગ કરે છે.

હવે પાલિકા સત્તાધિશોએ આજ તળાવની પાળ ઉપર શૌચાલય બનાવવાની શરૂ કરેલી કામગીરીએ લોકોમાં આશ્ચર્ય જગાવી દીધુ છે. શૌચાલય બનાવવાની છેલ્લા કેટલાક દિવસથી હાથ ધરાયેલી કામગીરીને પગલે લોકોમાં પાલિકા સત્તાધિશોના નિર્ણય સામે સવાલો ઉભા કરી દીધા છે.

જ્યાંથી પીવાનું પાણી લોકોને પુરું પાડવામા આવે છે ત્યાં શૌચાલય સવાલ દરેક શહેરીઓના મનમાં ઉઠી રહ્યો છે. જેના કારણે બાંધકામને લઈ લોકોમાં ભારે આક્રોશ ઉઠ્યો છે.

શૌચાલયની કામગીરી પર બ્રેક લગાવી દેવાઈ છે 
તળાવની પાળે શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે પરંતુ હવે તેનો લોકોમાં વિરોધ થઈ રહ્યો હોવાથી પાલિકા ચીફ ઓફિસર સહિત અધિકારી-પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ શૌચાલય બનાવવાની કામગીરી પર બ્રેક લગાવી દેવાનો નિર્ણય કરાયો છે.> રાજુભાઈગુપ્તા, પાલિકાએન્જિનિયર

પાણીનો બગાડ થાય તે માટે તાકિદ કરી હતી 
અગાઉ જ્યારે શૌચાલય બનાવવાની વાત આવી ત્યારે સિનિયર સિટીઝનના બાગ પાસે બનાવવાનું આયોજન કરાયું હતું. જોકે તે અંગે વિપક્ષ તરીકે અમે વાંધો ઉઠાવ્યો હતો અને લોકોના પીવા માટે જ્યાંથી પાણી પહોંચાડવાનું આયોજન છે તો તે પાણીને નુકસાન થાય તેની તકેદારી રાખવા પણ તાકિદ કરાઈ હતી. - પ્રમોદભાઈરાઠોડ, વિપક્ષનેતા, નવસારી પાલિકા