17 June 2017

નવસારી હીરા ઉદ્યોગ પણ બંધમાં જોડાશે, 20 હજાર લોકોને થશે અસર


ડાયમંડ નગરી તરીકે ખ્યાત નવસારીના હિરા ઉદ્યોગે એકીઅવાજે જીએસટીનો વિરોધ કરી આવતીકાલે શનિવારે નવસારીના હિરાઉદ્યોગના બંધનું એલાન આપી દીધુ છે. નવસારી પંથકનો મુખ્ય ઉદ્યોગ હિરાઉદ્યોગ છે. અહીં 400થી વધુ નાના-મોટા કારખાનાઓમાં 20 હજારથી વધુ લોકો રોજીરોટી મેળવે છે. નવસારીના અર્થતંત્રનો મુખ્ય આધાર પણ હિરાઉદ્યોગ જ છે. જોકે સરકારે આ હિરા ઉદ્યોગ ઉપર જીએસટી ટેક્સ નાંખવાનો નિર્ણય કરતા અહીંનો હિરાઉદ્યોગ વધુ મુશ્કેલીમાં મુકાય એવી શક્યતા છે.

જીએસટીના કારણે મોટી સંખ્યામાં કાર્યરત નાનાં કારખાનાં મુશ્કેલીમાં મુકાવાની દહેશતથી વેપારીઓ ભયમાં
નવસારી ડાયમંડ મરચન્ટ એસોસિએશનના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઉદ્યોગમાં અત્યારસુધી આવો કોઈ ટેક્સ ન હતો પરંતુ કેન્દ્ર સરકારે રફ ઉપર 0.25 અને પોલીસ ડાયમંડ ઉપર 3 ટકા એમ બે ટાઈપના ટેક્સ નાંખવાનો નિર્ણય કર્યો છે. આનાથી માઠી અસર થશે. નવસારી ડાયમંડ મરચન્ટ એસોસિએશનના પ્રમુખ પરેશ ચોકસીએ જણાવ્યું કે હિરા ઉદ્યોગ ઉપર જીએસટી લદાતા ઉદ્યોગ માટે પડદા ઉપર પાટુ સાબિત થશે. આમ પણ વૈશ્વિક મંદીથી હિરાઉદ્યોગ મુશ્કેલીમાં છે ત્યારે આ નવો વેરો વધુ મુશ્કેલી ઉભી કરશે. ખાસ કરીને નાના કારખાનેદારો માટે આ નવો ટેક્સ મુશ્કેલીરૂપ બનશે.

બે-ચાર ઘંટીવાળાઓ નવા વેરા માટે રિટર્ન ફાઈલ કરવું, ચોપડા રાખવા વગેરે કામ આફતરૂપ બનશે. ચોકસીએ વધુમાં જણાવ્યું કે આજે સવારે ડાયમંડ મરચન્ટ એસોસિએશનની કમિટીની બેઠક મળી હતી. તેમાં જીએસટીનો વિરોધ કરવા આવતીકાલે 17મીએ હિરાઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય લઈ એલાન અપાયું છે.  ડાયમંડ એસોસિએશનના ડિરેકટર જગમલ દેસાઈએ જણાવ્યું કે જીએસટીની સૌથી ખરાબ અસર નાના કારખાનાઓને થશે અને તે યુનિટો બંધ થવાની શક્યતા છે. નવસારીમાં એકમાત્ર હિરાઉદ્યોગ જ મોટો ઉદ્યોગ છે ત્યારે તેની હાલત ખરાબ થશે તો તેમાં કામ કરતા કારીગરોનું શું થશે? એમ જણાવ્યું હતું.

નોટબંધીથી હાલત બગડી હતી
નવસારીમાં હિરાઉદ્યોગની હાલત ગત નવેમ્બરમાં નોટબંધી કરાયા બાદ બગડી હતી. નોટબંધીને કારણે શહેરમાં આવેલા અનેક હિરાના કારખાના મુશ્કેલીમાં મુકાયા અને બંધ થયા હતા. કેટલાક જાણીતા મોટા કારખાનાઓ બંધ થતા હજારો કારીગરો બેકાર પણ બન્યા હતા. જોકે કેટલાક મોટા કારખાના થોડા સમયથી અંશત: કાર્યરત જરૂર થયા છે પરંતુ હજુ પણ અનેક કારખાનાઓ નોટબંધીના મારથી ઉભા થયા નથી અને બંધ થયા છે. જેના કારીગરો સુરત રોજીરોટી માટે ગયા છે એવું  સૂત્રોએ જણાવ્યું છે.