18 June 2017

નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન - 2037 તૈયાર


નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (નૂડા)નો નવસારી ડેવલપમેન્ટ પ્લાન 2037 તૈયાર કરી દેવામાં આવ્યો છે. જેમાં રહેણાંક અને ઔદ્યોગિક ઝોનને અલગ તારવી વિકાસના કામો કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. તાજેતરમાં જ પૂર્ણા નદી પારના ગામના લોકોનો વિરોધ છતાં પણ આ ગામોને નૂડામાં સમાવી તેના વિકાસ માટેનો એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ સાથે જ નૂડાના કાર્યક્ષેત્ર અંગેની ચાલતી કશ્મકશ આજે પૂર્ણ થઈ ગઈ હતી.

પૂર્ણા નદી પારના ગામના લોકોનો વિરોધ છતાં વિકાસ માટેનો નૂડાનો એકશન પ્લાન બનાવાયો
નવસારીમાં નૂડાની જાહેરાત થઈ ત્યારથી જ આસપાસના ગામના લોકોએ ગામોને નૂડામાં સમાવવા સામે વિરોધ નોંધાતો રહ્યો હતો તેમ છતાં સરકાર દ્વારા મક્કમ ગતિએ આ કામગીરીને આગળ વધારી હતી અને નૂડાની જાહેરાત કરી હતી. નૂડામાં સમાવિષ્ટ પૂર્ણા નદી પારના આમડપોર, આમરી, કસબાપાર, પડઘા, પરથાણ વગેરે ગ્રામવાસીઓએ ગામને નૂડામાં સમાવી લેવા સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો છતાં સરકાર દ્વારા આ ગામોને પણ નૂડામાં સમાવિષ્ટ કરી તેના વિકાસ માટેનો એકશન પ્લાન ઘડી કાઢ્યો છે. નૂડાના ડેવલપમેન્ટ માટે 2037 સુધીનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં ઔદ્યોગિક અને રહેણાંક ઝોનને અલગ તારવી દેવાયા છે.  નવસારી શહેરની નજીક સુરત શહેર આવેલું છે.

હાલમાં સુરત શહેર ઘણાં મોટા પ્રમાણમાં ધંધાકીય તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર વગેરે વિકાસ પામ્યો છે. નવસારી શહેર સુરતથી 30 કિ.મી.ના અંતરે આવેલું છે. નૂડાના ઉત્તર હદથી ઉભરાંટ દરિયાકિનારો 20 કિ.મી. અંતરે આવેલો છે. ઐતિહાસિક સ્થળ તરીકે જાણીતુ દાંડી પણ નવસારીથી 20 કિ.મી. અંતરે છે જે દરિયાકિનારે છે. દાંડીમાં સરકાર દ્વારા વિકાસ હાથ ધરવામા આવનાર છે અને નવસારી શહેરની આસપાસના વિસ્તારમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે તેનો નૂડામાં સમાવેશ કરવાથી વેગ મળી શકે છે. એ બાબતને ધ્યાનમાં રાખી નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન 2037 ઘડી કાઢવામાં આવ્યો છે. આ પ્લાનમાં નવસારી શહેરમાં દાખલ થવા માટે પાંચ મોટી એન્ટ્રી મુકવામાં આવી છે. જેમાં મુખ્યત્વે આમડપોર, ધારાગીરી, ગ્રીડ, પારસી હોસ્પિટલ ગણદેવી રોડ સુધી જઈ શકાય તે રીતે સિસોદ્રાથી દાંડી જઈ શકાય તે રીતે રસ્તાઓ દર્શાવી પ્રવેશ આપવામાં આવ્યો છે.

કોને કોને રહેણાંક ઝોનમાં રખાયા
નૂડામાં સમાવિષ્ટ એરૂ, હાંસાપોર, ધામણ, પરથાણ, વેજલપોર, આમડપોર, આમરી, કસબાપાર, કાદીપોર, પડઘા, ધારાગીરી, નસીલપોર, ભટ્ટાઈ, સરઈ ગામોમાં જ્યાં વિકાસ ઓછા પ્રમાણમાં છે ત્યાં ગામતળની લેવલે વિકાસને ધ્યાને લઈ અંદાજિત 200 મીટર ત્રિજ્યામાં રહેણાંક ઝોન રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ને.હા.નં. 8 અને મરોલીથી ગણદેવી જતા સ્ટેટ હાઈવેના વિકાસને ધ્યાને લઈ રોડની બંને બાજુ અંદાજિત 200 મીટર પહોળાઈમાં રહેણાંક ઝોન રાખવામાં આવ્યો છે.

આ વિસ્તારો ઔદ્યોગિક ઝોનમાં
નૂડામાં સમાવાયેલા સિસોદ્રા, વિજલપોર, નસીલપોર, ભટ્ટાઈ ગામોમાં ઉદ્યોગો આવેલા છે. આ ઔદ્યોગિક વિકાસને વેગ મળે તે હેતુથી તેને લાગુ પડતી જમીનોમાં નૂડાના ડેવલપમેન્ટ પ્લાનમાં ઔદ્યોગિક ઝોન તરીકે વિકાસ કરવાનું નક્કી કરાયું છે.