20 June 2017

28 ટકા GSTના વિરોધમાં નવસારીની ફર્નિચરની દુકાનો બંધ


ફર્નિચરઉપર 28 ટકા જીએસટી લગાવવાની જાહેરાત કરાતા નવસારીના ફર્નિચરના વેપારીઓએ આજે સોમવારે ધંધા-ઉદ્યોગ બંધ પાળી વિરોધ કર્યો હતો.

સરકાર 1લી જુલાઈથી જીએસટીનો કાયદો અમલી બનાવવા જઈ રહી છે. જે અંતર્ગત વિવિધ ચીજવસ્તુઓ ઉપર જીએસટીના દર પણ જાહેર કર્યા છે. દરની જાહેરાત થતા વેપારી ઉદ્યોગમાંથી જીએસટી સામેના પ્રતિભાવ બહાર આવવાના શરૂ થઈ ગયા છે. નવસારી પંથકમાં જીએસટી સામે પ્રથમ મોટો વિરોધ હિરા ઉદ્યોગે કર્યા બાદ હવે ફર્નિચર ઉદ્યોગે પણ વિરોધનું બ્યુગલ ફૂંક્યું છે.

સરકારે ફર્નિચર ઉપર 28 ટકા જીએસટીની જાહેરાત કરતા નવસારીના ફર્નિચર ઉદ્યોગે વિરોધ નોંધાવ્યો છે. વિરોધ અંતર્ગત નવસારી શહેર ફર્નિચર એસોસિએશને આજે સોમવારે ફર્નિચરની દુકાનોમાં બંધનું એલાન આપ્યું હતું. આ એલાનને લઈને આજે નવસારી શહેર ઉપરાંત નજીકના વિસ્તારની પણ મોટાભાગની દુકાનો બંધ રહી હતી.

ફર્નિચરના વેપારીઓનું કહેવું છે કે દરેક મધ્યમવર્ગ અને નીચલા વર્ગને પણ ફર્નિચરની જરૂર પડે છે. ફર્નિચર એ વૈભવી વસ્તુ નથી કે તેના ઉપર 28 ટકા જીએસટી લગાવાય, નાના માણસને પણ પલંગ, કબાટ ય અન્ય ફર્નિચરની વસ્તુઓની જરૂર પડે છે. મજુર વ્યક્તિ પણ પાંચ હજારનું ફર્નિચર ખરીદે છે. આ ફર્નિચર ઉપર ભારેખમ જીએસટી લાગવાથી લોકોને જ ફર્નિચર મોંઘુ પડશે એ સામાન્ય લોકો જ ભોગ બનશે!

ફર્નિચર એસો.ના ઉપપ્રમુખ પિ ન્ટુભાઈ શેઠનાએ જણાવ્યું કે ફર્નિચરનો ઉદ્યોગ નાનો-લઘુ ઉદ્યોગ છે. આ નાના ઉદ્યોગ ઉપર વધુ કર લાગવાથી નાનો ઉદ્યોગ અસરગ્રસ્ત થશે. એક તરફ સરકાર નાના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું કહે છે અને બીજી તરફ વધુ ટેક્સ લાદે છે તો કઈ રીતે ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.

ઓછા કરની માંગનું આવેદન
નવસારી શહેર ફર્નિચર એસોસિએશનને સોમવારે બંધ પાળી પોતાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી એક લેખિત આવેદન પણ આપ્યું હતું. તેઓએ ભારતીય ફર્નિચર ઉપર 12 ટકા અને આયાતી ફર્નિચર ઉપર 18 ટકા કર રાખવાની માગ પણ કરી હતી. ફર્નિચરના વેપારીઓએ જણાવ્યું કે તેઓએ સોમવારે વિરોધમાં બંધ પાળ્યા બાદ અમદાવાદમાં ચાલી રહેલી મિટિંગમાં લેવાયેલા નિર્ણય બાદ આગામી પગલાંની જાહેરાત કરાશે.