21 June 2017

આજથી નગરપાલિકાની તમામ સેવા ખોરવાશે


નવસારી નગરપાલિકા સહિત જિલ્લાની તમામ નગરપાલિકાના કર્મચારીઓ 21મીના રોજ હડતાળ પર જશે. ઈમરજન્સી સેવા ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સિવાય તમામ સેવા ઠપ કરી દેવાશે. જેના કારણે લોકોની મુશ્કેલી વધવાની સંભાવના છે. આ હડતાળ ત્રણ દિવસ સુધી ચાલશે. ગાંધીનગરમાં રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રતિનિધિઓ સાથે નગરપાલિકા નિયામકની મિટિંગ મળી હતી.
 
ઈમરજન્સી સેવા ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સિવાય પાણી , સફાઇ સહિત તમામ સેવા ઠપ કરી દેવાશે
સાતમા પગારપંચ તથા અન્ય પડતર માંગણીની મંત્રણા કરવામાં આવી હતી. જોકે આ મંત્રણા પડી ભાંગી હતી. જેના પગલે અગાઉથી જાહેર કરાયેલા આંદોલનના ભાગરૂપે રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા 21-22 અને 23 જૂન એમ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ નગરપાલિકાઓ સાથે નવસારી પાલિકાના કર્મચારીઓ પણ હડતાળ પર ઉતરશે. આ કર્મચારીઓ આવશ્યક મનાતી પાણી, સફાઈ, લાઈટ અને ગટરને લગતી સેવા પણ નહીં આપે. જેથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.

નવસારી પાલિકાના 400થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે. આ ઉપરાંત વિજલપોર પાલિકાના કાયમી 74 જેટલા કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાશે. એજ રીતે બીલીમોરા પાલિકાના 162 જેટલા કર્મચારીઓ અને ગણદેવી પાલિકાના 35 જેટલા કાયમી કર્મચારીઓ હડતાળમાં જોડાશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પાલિકા કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકાર સુધી તેમની વાત પહોંચાડવા અનુરોધ કરાયો હતો અને 1 માસ અગાઉ હડતાળ અંગે પણ અલ્ટીમેટમ આપી દેવાયું હતું. આખરે આજે નગરપાલિકા નિયામક સાથે મંત્રણા નિષ્ફળ જતા નગરપાલિકા કર્મચારી મહામંડળે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. નવસારી જિલ્લામાંથી નવસારી, વિજલપોર, બીલીમોરા અને ગણદેવી એ ચારેય નગરપાલિકાના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. જેના કારણે આવશ્યક સેવા ખોરવાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
 
અન્ય કર્મચારીઓએ પણ ટેકો જાહેર કર્યો
નવસારી પાલિકા કર્મચારી હડતાળ પર જનાર છે ત્યારે સરકાર સુધી વાત પહોંચાડવા અન્ય રોજમદાર કર્મચારીઓએ પણ આ હડતાળને ટેકો જાહેર કર્યો છે. - હરીશભાઈ પારેખ, પ્રમુખ, નવસારી પાલિકા કર્મચારી સંગઠન

રોજમદારોથી ગાડુ ગબડાવાય તેવી શક્યતા
જિલ્લાની તમામ નગરપાલિકાના કાયમી કર્મચારીઓ 21થી 23મી જૂન સુધી હડતાળ ઉપર છે ત્યારે આ પાલિકામાં રોજમદાર અને હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓ પાસેથી અધિકારીઓ દ્વારા આવશ્યક સેવા ન ખોરવાય તે માટે ગાડુ ગબડાવાય તેવી શક્યતા છે.

જો કામગીરી નહીં કરે તો કાર્યવાહી કરાશે
પાલિકાના કર્મચારીઓ હડતાળ પર છે ત્યારે તેમની જગ્યાએ નવસારી અને વિજલપોર પાલિકામાં હંગામી ધોરણે કામ કરનારા તેમજ રોજમદારો પાસે આ કામાગીરી કરવાશે. જો તેઓ કામગીરીમાં નહીં જોડાય તો કાર્યવાહી કરાશે. - રમેશ જોષી, ચીફ ઓફિસર, નવસારી અને વિજલપોર પાલિકા