21 June 2017

બાય બાય કહુ કે આવ ભાઈ કહુ નાટક જોવા નવસારીવાસીઓ ઉમટી પડ્યા


નવસારીમાં ટાટા હોલમાં દિવ્ય ભાસ્કર અને પ્રો ઈવેન્ટસ સાથે નટરાજ નાટ્યવૃંદ નવસારીના સહકારથી બાય બાય કહુ કે આવ ભાઈ કહુ નાટક જોવા નાટ્યરસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ટાટા હોલ દર્શકોથી ભરાઈ ગયો હતો. દર્શકોએ હાસ્ય નાટકને મનભરીને માણ્યું હતું.

નાટકના સંવાદે સંવાદે તાળીઓથી ટાટા હોલ ગુંજી ઉઠ્યો
ફિરોઝ ભગત દિગ્દર્શિત અને પ્રવિણ સોલંકી લિખિત નાટકના જાજરમાન એવા કલાકારો ફિરોઝ ભગત અને અપરા મહેતાના રંગભૂમિની અદા પર પ્રેક્ષકો આફરીન પોકારી ઉઠ્યા હતા. સંવાદે સંવાદે તાળીઓથી ટાટા હોલ ગુંજી ઉઠ્યો હતો. પ્રેમલગ્નની સમસ્યા, વિધવા અને વિધુરની એકાંત જીવનની સમસ્યા, મનોસ્થિતિનું આબેહૂબ ભજવણી નાટકમાં કરાઈ હતી. હાસ્યની છોળો સાથે ક્યારેક લાગણીશીલ દૃશ્યો પ્રેક્ષકોની આંખો ભીંજવી નાંખ્યા હતા. કલાકારો, સંગીત, લાઈટ, મેકઅપ વગેરેની મહેનત દીપી ઉઠી હતી. નાટકના તમામ પાત્રોનો અભિનય જીવંત રહ્યો. પ્રેક્ષકોને મનોરંજન સાથે સમસ્યા તરફ અંગુલીનિર્દેશ કરાવીને પ્રેરણાત્મક બાબતો રજૂ કરાઈ હતી. દિવ્ય ભાસ્કરના લકી વિનરોને પણ આ નાટક જોવાનો મોકો મળ્યો હતો. આવા આયોજનથી લોકોમાં ખુશી પણ જોવા મળી હતી. વેવાઈ વેવન તરીકેની કલાકારોની ભૂમિકા હોય, અને આ જોડી પ્રિય હોવાથી કલા પ્રેમીઓે હોલ સુધી ખેંચાયા હતા.