22 June 2017

નવસારીમાં પાલિકાની સેવા રોજમદારોના ભરોસે


નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓ બુધવારે હડતાળ ઉપર જતા પાલિકાની મહત્તમ સેવા રોજમદાર કર્મચારીઓના ભરોસે ચાલી હતી. કેટલીક સેવા ખોરવાઈ હોવા છતાં મોટો ઉહાપોહ આજે પ્રથમ દિવસે બહાર આવ્યો હતો.

સાતમા પગારપંચ સહિત કેટલીક પડતર માંગણીઓ સ્વીકારાતા નગરપાલિકા કર્મચારી મહામંડળે આજે 21મીથી ત્રણ દિવસ માટે હડતાળ ઉપર જવાનો નિર્ણય કર્યો હતો. નિર્ણય અંતર્ગત અહીંની સૌથી મોટી વર્ગની નવસારી નગરપાલિકાના 260થી વધુ કાયમી કર્મચારીઓ આજે 21મીએ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કર્મચારીઓની હડતાળને પગલે સવારથી પાલિકા કચેરી સૂમસામ ભાસતી હતી. પાલિકાની ઓફિસ સેવાઓમાં કાયમી કર્મચારીઓ વધુ હોય ઓફિસ સેવા અસરગ્રસ્ત બની હતી. વેરા કચેરીમાં પણ નહીંવત કામગીરી થઈ હતી. પાલિકાની સૌથી મહત્ત્વની સેવા પાણીસેવાને અસર થઈ હતી. બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. સફાઈ સેવામાં કાર્યરત કાયમી કર્મચાર હડતાળ ઉપર જતા મહત્ત્વની સેવા પણ અસરગ્રસ્ત થઈ હતી. કચરાપેટીમાંથી કચરા ઉઠાવવાનું કામ કાયમી કર્મચારીઓ કરતા હોઈ તે કામગીરી મહદઅંશે અટવાઈ હતી. જન્મમરણના દાખલાની કામગીરી પણ અટવાઈ હતી. લાઈટ, સેનેટરી, ગુમાસ્તા-વ્યવસાયવેરા વગેરે સેવાને પણ અસર થઈ હતી. જોકે આજે પાલિકાની સેવા માટે સઘળો ભાર રોજમદાર કોન્ટ્રાકટ કર્મચારીઓ ઉપર આવી પડ્યો હતો. પાલિકાના 331થી વધુ રોજમદાર-કોન્ટ્રાક્ટ કર્મચારી હોય તેઓએ બુધવારે પાલિકાનું ગાડુ ગબડાવ્યું હતું.

નવસારી નગરપાલિકા પટાંગણમાં ધરણાં 
બુધવારે નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓ હડતાળ ઉપર તો હતા પરંતુ પાલિકા પટાંગણમાં એકઠા થયા હતા. કચેરીમાં કર્મચારીઓએ સેવા તો બજાવી પરંતુ પાલિકા પટાંગણમાં ધરણાં કરી પોતાનો વિરોધ જરૂર પ્રદર્શિત કર્યો હતો. આખો દિવસ પાલિકા પટાંગણ હડતાળીયા કર્મચારીઓથી ધમધમતુ રહ્યું હતું. દિવસ દરમિયાન ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ તેઓની મુલાકાત લીધી હતી. તેમણે કર્મચારીઓની લાગણી સરકારમાં પહોંચાડવાની ખાતરી આપી હતી. કોંગ્રેસી પ્રતિનિધિઓએ કર્મચારીઓની મુલાકાત લઈ તેમની સાથે સહાનુભૂતિ દર્શાવી સરકારની નીતિરીતિની આલોચના કરી હતી.