23 June 2017

સ્વચ્છ નવસારીની સફાઈ કામગીરી ખોરવાઈ


નવસારી પાલિકાના કાયમી કર્મચારીઓની હડતાળને કારણે શહેરની સફાઈ કામગીરી બિલકુલ ઠપ તો નથી થઈ પરંતુ ખોરવાઈ જતા અનેક જગ્યાએ કચરાના ઢગલા જેમના તેમ જોવા મળી રહ્યા છે.

નવસારી પાલિકાના 260થી વધુ કાયમી કર્મચારીઓ આજે ગુરૂવારે સતત બીજા દિવસે પણ હડતાળ ઉપર ગયા હતા. હડતાળને કારણે પાલિકાની સૌથી મહત્વની બે સેવામાંની એક સફાઈ કામગીરીને અસર થઈ હતી. સફાઈ વિભાગમાં ઘણાં રોજમદારો હોઈ કામગીરી બિલકુલ ઠપ તો થઈ હતી પરંતુ ખોરવાઈ જરૂર ગઈ હતી. આખાય પશ્ચિમ ઝોનમાં નવસારીને સ્વચ્છતાનો પ્રથમ એવોર્ડ મળ્યો છે ત્યારે એવોર્ડ મળ્યા બાદ પ્રથમ વખત શહેરમાં સફાઈ સેવા ખોરવાઈ છે.

શહેરના પશ્ચિમ વિભાગની સફાઈ કામગીરીનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને અપાયો હોય ત્યાં તો તકલીફ હતી પરંતુ પૂર્વ વિભાગમાં સમસ્યા સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાલિકા દ્વારા ઘરે ઘરે કચરો લેવા વાહનો જાય છે તે ગયા હતા. જેને લઈને કેટલીક જગ્યાએ જાહેરમાં કચરો ઠલવાયાનું જોવાયું હતું. સ્ટ્રીટ સફાઈ થાય તે પણ ખોટકાઈ હતી. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારમાં મોટી કચરાપેટીઓ મુકાઈ છે. તેમાંથી કચરો ઉલેચાતા ઉક્ત કચરાપેટીઓ આજે બીજા દિવસે ઉભરાયેલી જોવા મળી હતી. કચરો અનેક વિસ્તારમાંથી લેવાતા રહીશોની ફરિયાદો પણ પાલિકામાં આવી હતી.

સ્ટેશન વિસ્તારના સામાજિક કાર્યકર ઈબ્રાહીમ સૈયદે જણાવ્યું કે મહોલ્લામાં જે સફાઈ થતી હતી તે હાલ થઈ નથી. પાલિકાના કોર્પોરેટરો પિયુષ ઢીમ્મર અને ઈકબાલ ઉસ્માનીએ પણ જણાવ્યું કે કર્મચારીઓની હડતાળની અસર સફાઈ ઉપર થઈ છે અને ઘણાં વિસ્તારમાં કચરો જોવા મળે છે. જોકે પાલિકાના સીઓ રમેશ જોષીએ જણાવ્યું કે કાયમી કર્મચારીઓની હડતાળ છતાં સફાઈ સહિતની સેવા પાલિકા પૂરી પાડી રહી છે અને કોઈ મોટી ફરિયાદ આવી નથી.

બે ટાઈમ પાણીનો નિર્ણય 
પાલિકાની મહત્વની બીજી સેવા પાણીની સેવા કાયમી કર્મચારીઓની પ્રથમ દિવસે હડતાળથી પાલિકાએ બે ટાઈમની જગ્યાએ એક ટાઈમ પાણી આપ્યું હતું. જોકે આજે ગુરૂવારે બીજા દિવસે બે ટાઈમ પાણી આપવાની માગ બળવત્તર બની હતી. ગરમી પડી રહી હોય તથા હાલ રમઝાન મહિનો હોય બે ટાઈમ પાણી આપવાની રજૂઆતો પણ થઈ હતી. શહેરીજનોની લાગણી તથા માગને ધ્યાને લઈ પાલિકાના પાણી સમિતિના ચેરમેન ત્રિભોવન ચાવડાએ ખાસ રસ લઈ કર્મચારીઓને સમજાવી બે ટાઈમ પાણી આપવાનો નિર્ણય લીધો હતો અને પાણી આપ્યું પણ હતું.

નવસારીમાં કચરાથી લથપથ છાપરા રોડ અને કચરાથી ઉભરાતી ડેપોની કચરાપેટી. તસવીર- ભદ્રેશ નાયક