24 June 2017

દેશી બનાવટની પિસ્તોલ સાથે ત્રણ ઝડપાયા


નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્તોલ) સાથે વિજલપોરના વિઠ્ઠલ મંદિર પાછળના ભાગેથી ત્રણ યુવાનોને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 29350નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

નવસારી એસઓજી પીઆઈ એ.યુ.રોઝ તથ તેમની ટીમને રમઝાન અને રથયાત્રાના દિવસોને ધ્યાને રાખી વિશેષ તકેદારી રાખવાની ઈનચાર્જ ડીએસપી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી મોરીએ સૂચના આપી હતી. જેથી એસઓજી પીઆઈ તથા તેમની ટીમ વિજલપોર વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

દરમિયાન કોન્સ્ટેબલ આલાભાઈ સવશીભાઈએ મળેલી બાતમીને આધારે વિઠ્ઠલ મંદિર પાછળથી દુકાલીયા રાયસિંહ ડુંગરસિંહ ડાવર (ઉ.વ. 23, રહે. વેગલગામ, પટેલ ફળિયા, તા. સોઢવા, એમપી), તુલસી ઉર્ફે રાકેાશ હરદાસ પોકલીયા અજનાર (ઉ.વ. 22, રહે. બડીવેગલગામ, પટેલ ફળિયા, સોઢવા, એમપી)તથા રૂમાલસિંગ સંજાન ભીમજી ચૌહાણ (ઉ.વ. 20, હાલ રહે. વિજલપોર વિઠ્ઠલ મંદિર પાછળ, મૂળ રહે. છોટી વેગલગામ, ઝરી ‌ફળિયા, સોઢવા, એમપી)ને લાયસન્સ પરવાના વગરની એક દેશી હાથ બનાવટની રૂ. 25 હજારની કિંમતની માઉઝર (પિસ્તોલ) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણેયની અંગજડતી કરી રૂ. 2000ના ત્રણ મોબાઈલ, રોકડા રૂ. 2350 મળી કુલ 29350નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ વિજલપોર પોલીસને સુપરત કરી છે.