24 June 2017

લિટર દીઠ 20 એમએલ પેટ્રોલ ઓછું આપતાં પેટ્રોલપંપનું નોઝલ સીલ કરાયું


નવસારીમાં સ્ટેશન વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ ઉપર તોલમાપ અને પૂરવઠા અધિકારીની ટીમે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ગ્રાહકોને યોગ્ય મળે છે કે કેમ તેનું ચેકિંગ હાથ ધર્યું હતુ. તેમાં લીટર દીઠ 20 એમએલ ઓછું પેટ્રોલ ગ્રાહકોને મળતું હોવાનું જણાતા એક નોઝલ સીલ કરી દઇ રિસ્ટેમ્પિંગ કરવા તાકીદ કરવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.

નવસારીમાં હાલ ગ્રાહકોને પેટ્રોલ તથા ડીઝલ યોગ્ય રીતે આપવામાં આવે છે કે તેમાં ગ્રાહકો સાથે છેતરપીંડી થાય છે.તે બાબતને ધ્યાનમાં રાખી નવસારી પૂરવઠા અધિકારી સી.પી.પટેલની ટીમના અધિકારી રાણા તેમજ તોલમાપ અધિકારીએ પેટ્રોલ પંપ ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું.

દરમિયાન ટીમ નવસારી શહેરમાં સ્ટેશન વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પહોંચી હતી.મોડી સાંજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે વખતે પેટ્રોલ પંપ ઉપર એક લીટર દીઠ 20 એમ.એલ.જેટલું ઓછું પેટ્રોલ જણાયું હતુ, જેને લઇ આખો દિવસ પેટ્રોલ પંપ ઉપરથી કેટલાય ગ્રાહકોને ઓછું પેટ્રોલ મળતુ હશે. પેટ્રોલ ઓછું મળતુ જણાતા આખરે સંયુક્ત ટીમે પેટ્રોલ પંપ ઉપર આવેલા એક નોઝલ ને સીલ કરી દીધું હતું. હવે એમને રિસ્ટેમ્પિંગ કરવા તાકીદ કરવામાં આવી છે. જ્યાં સુધી પેટ્રોલ પંપના સંચાલક રિસ્ટેમ્પિંગ નહી કરાવે ત્યાં સુધી હવે નોઝલ ખોલવામાં નહીં આવે. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે.

નવસારીમાં અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ આગામી દિવસોમાં ચેકિંગ કરવામાં આવે તેવી શક્યતા છે. સંદર્ભે પુરવઠા અધિકારી સી.પી. પટેલે જણાવ્યું હતું કે 20 એમએલ જેટલું પેટ્રોલ તપાસમાં ઓછુ જણાય આવતા નોઝલ સીલ કરી દેવાઈ છે અને પેટ્રોલપંપ સંચાલકને રીસ્ટેમ્પિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે.