26 June 2017

ડ્રેનેજનાં પાણી બેક મારતાં રવિવારે પાલિકા ખોલાવાઇ

નવસારી પાલિકા કચેરીએ આવેલ મોરચો

નવસારી પંથકમાં શનિવારે રાત્રે 2 કલાક પડેલ વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા અને મોકાણ સર્જાઇ હતી. શહેરની અજીત સોસાયટીનાં રહીશો તો આજે રવિવારે પાલિકા કચેરીએ પહોંચી ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓને બોલાવી તેમનાં વિસ્તારની ડ્રેનેજ સમસ્યાની ખરીખોટી સંભળાવી હતી.

નવસારીમાં શનિવારની રાત્રીએ 8થી 10 વાગ્યા દરમિયાન વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ થયો હતો. બે કલાકમાં નવસારી જલાલપોર પંથકમાં અઢીથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. મોસમનો સૌથી સારો વરસાદ નવસારીમાં પ્રથમવાર થયો હતો. પ્રથમ વરસાદે નવસારીમાં અનેક મોકાણ સર્જાઇ હતી.

શહેરના આશાનગર નજીક આવેલ અજીત સોસાયટી પોશ વિસ્તાર ગણાય છે. અહીં રાત્રીના ભારે વરસાદ સમસ્યા સર્જાઇ હતી. સોસાયટીની ડ્રેનેજ ઉભરાવા લાગી હતી. કેટલાક ઘરોમાં તો ડ્રેનેજના પાણીનો નિકાલ થતો હોય બેક પણ મારવા લાગી હતી. ડ્રેનેજના પાણીનો નિકાલ થતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતાં. રાત્રીથી આજે રવિવારે પણ સમસ્યા સર્જાતા અહીંના લોકોનો મોરચો નવસારી પાલિકા કચેરીએ પહોંચ્યો હતો.

ઉગ્ર રોષે ભરાયેલા અસરગ્રસ્ત લોકોએ રવિવારે જાહેર રજા હોવા છતાં પાલિકાનાં જવાબદારોને ત્યાં કચેરીએ બોલાવ્યા હતાં. બાદમાં ત્યાં આવેલ પાલિકા પ્રમુખ અલકાબેન સીઓ જોષી શાસકપક્ષના નેતા જીગીશ શાહ ભાજપ પ્રમુખ હીરાની સીટી ઇજનેર ગુપ્તાને પોતાના વિસ્તારની સમસ્યા વર્ણવી હતી. અસરગ્રસ્તોનું કહેવું હતું કે અનેક વખત સમસ્યા સર્જાઇ પરંતુ સમસ્યાનું સમાધાન કરાતું નથી. ડ્રેનેજની સમસ્યા જૈસે થે રહી છે. ઉપસ્થિતોએ સમસ્યા હલ કરવાનો સધિયારો આપ્યો હતો.

નવસારીમાં પડેલા વરસાદને કારણે માત્ર એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થયો હતો. જુનાથાણા વિવેકાનંદ પ્રતિમા વિસ્તારમાં ઘૂટણસમાં પાણી ભરાયા હતા. ઝવેરી સડક અને શાંતાદેવી રોડના કેટલાક વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. બંદરરોડ ઉપર પણ પાણી ભરાયા હતા. માર્ગો ઉપર પાણીનો ભરાવો થયો તે વરસાદ બંધ થતા પાણી ઉતરી ગયા હતા. પાલિકાનાં વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે જણાવ્યું કે ઠેર ઠેર ભરાયેલ વરસાદી પાણીએ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીને ઉઘાડી પાડી છે.