29 June 2017

ચોમાસું બેસતાં નવસારીમાં ઠેર ઠેર રખડતાં ઢોરનો અડિંગો


નવસારીમાં ચોમાસાનો વરસાદ શરૂ થતા મોટી સંખ્યામાં રખડતા ઢોર માર્ગો ઉપર દેખાતા થઈ ગયા હતા.

નવસારીમાં ઉનાળાની મોસમમાં રખડતા ઢોર પ્રમાણમાં ઓછા જોવા મળ્યા હતા. જોકે ચોમાસાનો વરસાદ શરૂ થતા સ્થિતિ બદલાઈ ગઈ છે. છેલ્લા અઠવાડિયાથી છૂટોછવાયો વરસાદ શરૂ થતા શહેરમાં રખડતા ઢોરોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે. ખાસ કરીને મુખ્ય માર્ગો ઉપર થોડા થોડા અંતરે ઢોરનો સમૂહ બેસેલો નજરે પડે છે.

શહેરમાં માત્ર એક વિસ્તાર નહીં પરંતુ મહત્તમ વિસ્તારમાં ઢોરો જોવા મળે છે. સ્ટેશન રોડ, પાલિકા નજીકનો દુધિયાતળાવ માર્ગ, જૂનાથાણા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઢોર જોવા મળે છે. માર્ગો ઉપર ઢોરને કારણે ટ્રાફિક પણ અસરગ્રસ્ત થાય છે. ઢોરને ડબ્બે કરવાની કામગીરી હજુ પાલિકાએ શરૂ કરી નથી. અહીં ઉલ્લેખનીય છે કે ગત વરસે નગરપાલિકાએ શહેરમાં 185 ઢોર પકડ્યા હતા અને તેને ખડસુપા પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા.