30 June 2017

નવસારી જિલ્લાની શાળાઓમાં ચાલી રહેલો સ્કૂલ સેફટી પ્રોગ્રામ


ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ગાંધીનગર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કલેકટર ઓફિસ નવસારી દ્વારા નવસારી જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં 27મી જૂનથી 1લી જુલાઈ સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા 27મી જૂને સવારે 11 કલાકે ગાંધીનગરથી બાયસેગ દ્વારા તમામ શાળામાં પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી દ્વારા આપત્તિ સમયે કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તથા આપત્તિ સમયે શું કરવું વગેરેની સમજણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

પ્રાથમિક શાળામાં 27મી જૂનથી 1લી જુલાઈ સુધી શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, આ અંતર્ગત વિવિધ માહિતી આપવામાં આવશે

શાળા સલામતી સપ્તાહની ઉજવણી નવસારી જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ કલેકટર નૈતિકબેન પટેલ, મામલતદાર કે.પી. પંડવાલા, ડિસ્ટ્રિકટ પ્રોજેકટ ઓફિસર અંકિત પરમાર વગેરે અધિકારી હાજર રહ્યા હતા.  શાળા સલામતી સપ્તાહમાં જિલ્લાની પ્રાથમિક શાળામાં એનડીઆરએફ, 108, રેડક્રોસ, ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપત્તિ સમયે કેવી રીતે બચાવ કરી શકાય વગેરે અંગે ડેમોસ્ટ્રેશન આપવામાં આવી રહ્યા છે

જિલ્લાની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિ અંગે જાગૃતતા આવે તે માટે પાંચ દિવસ સુધી આપત્તિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ કાર્યક્રમમાં એનડીઆરએફ તથા ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને શોધ અને બચાવ અંગેના ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જ્યારે રેડક્રોસ અને 108 દ્વારા પ્રાથમિક સારવાર અંગેની તાલીમ આપવામાં આવી હતી.