1 July 2017

નૂડામાંથી 8 ગામની બાદબાકીનો મામલો ગાંધીનગરમાં


નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન (ડી.પી.) બની ગયો પરંતુ કેટલાક ગામોનો નૂડામાં સમાવેશ બાબતે વિરોધ જારી રહ્યો છે. પૂર્ણા નદીપારના 8 ગામના લોકપ્રતિનિધિઓએ ધારાસભ્ય સાથે ગાંધીનગરમાં જઈ નાયબ મુખ્યમંત્રીને નૂડામાંથી  8 ગામોને કાઢી નાંખવાની રજૂઆત કરી હતી. સરકારે ડિસેમ્બર 2015માં નવસારી અર્બન ડેવલપમેન્ટ એજન્સી (નૂડા)ની રચનાની જાહેરાત કરી હતી. એ સમયે નૂડામાં 97 ગામો અને 2 શહેરો વિજલપોર, નવસારીને સમવાયા હતા. જોકે અનેક ગામડાઓમાંથી નૂડામાં સમાવવા બાબતે ભારે વિરોધ થયો હતો.

8 ગામોના લોકપ્રતિનિધિઓની ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત
જેના પગલે સરકારે ઘણાં ગામોને કાઢી નાંખી નૂડામાં 24 ગામો અને 2 શહેરોને જ સમાવવાનો નિર્ણય લીધો હતો. નૂડામાં 24 ગામો સમાવાયા છે. તેમા અનેક ગામો નવસારીથી દૂર હોય ઉક્ત ગામોમાંથી કાઢી નાંખવાની માગ ચાલી રહી હતી. જેમાં પૂર્ણા નદીપારના 8 જેટલા ગામોનો મોરચો નવસારી કલેકટરાલયમાં ગત 9મી ફેબ્રુઆરીમાં આવ્યો હતો અને ઉક્ત ગામોના લોકોએ તેમના ગામોને નૂડામાંથી બાકાત રાખવાની રજૂઆત કરીહતી. કલેકટર કચેરીમાં રજૂઆત છતાં સરકારે ઉક્ત 8 ગામોને નૂડામાંથી હજુ બાકાત રાખ્યા નથી. બીજી તરફ આ 8 ગામો કસબા, આમરી, આમડપોર, પડઘા, વેજલપોર, પરથાણ, સરઈ, ધામણ સહિત નૂડાનો ડેવલપમેન્ટ પ્લાન પણ તાજેતરમાં બે અઠવાડિયા અગાઉ સરકારે જાહેર કરી દીધો હતો.

નૂડાનો ડીપી જાહેર થવા છતાં તેમાં સમાવિષ્ટ 8 ગામોની નૂડામાંથી બાકાત રાખવાની માગ ચાલુ જ રહી છે. મળતી માહિતી મુજબ પૂર્ણા નદીપારના આ 8 ગામોના સરપંચો, આગેવાનો વગેરે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ સાથે 27મીને મંગળવારે ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી અને શહેરી વિકાસમંત્રી નીતિન પટેલને મળ્યા હતા. નીતિન પટેલ સમક્ષ 8 ગામોને નૂડામાંથી બાકાત રાખવાની રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં ગામોની ભૌગોલિક સ્થિતિ, નવસારીથી 10 કિલોમીટર દૂરનું ભૌગોલિક અંતર વગેરે ધ્યાને રાખી નૂડામાંથી બાકાત રાખવાની માગ કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી હતી. અસરગ્રસ્ત ગામના લોકો સરકાર પાસે સકારાત્મક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે.