2 July 2017

નવસારીમાં રેલવે પ્લેટફોર્મ ઉપર રખડતાં ઢોરોનું સામ્રાજ્ય


નવસારી રેલવે સ્ટેશન વિસ્તારના પ્લેટફોર્મ ઉપર રખડતા ઢોરોએ કબજો જમાવતા આગામી દિવસોમાં મોટી દુર્ઘટનાની શક્યતા પ્રવર્તી રહી છે. મળસ્કે પ્લેટફોર્મ પર કબજો જમાવી દેનારા આ ઢોરને વહેલી તકે દૂર નહીં કરાય તો મોટી દુર્ઘટના સર્જાવાના એંધાણ વર્તાય રહ્યા છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 1 ઉપર આજે મળસ્કે રખડતા ઢોરોએ કબજો જમાવી દીધો હતો. છેલ્લા કેટલાક દિવસથી પ્લેટફોર્મ પર બંધ પડેલી કેબિનમાં કુતરાઓ આરામ ફરમાવી રહ્યા છે ત્યાં આજે મળસ્કે પ્લેટફોર્મ ઉપર ઢોરોએ કબજો જમાવી દીધો હતો.

રેલવે વિભાગ માટે ખતરો
અવારનવાર રખડતા ઢોર પ્લેટફોર્મ ઉપર આવી જશે તો ભવિષ્યમાં આ ઢોર ટ્રેન સાથે અથડાઈ જાય તેવી શક્યતા છે અને તેના કારણે મોટી દુર્ઘટના ઘટી શકે છે. રેલવે વિભાગ દ્વારા રખડતા ઢોરોને કાબૂમાં રાખવા કે પ્લેટફોર્મ ઉપર આવતા અટકાવવા ઝડપી કાર્યવાહી કરવી પડશે નહીંતર આગામી દિવસોમાં પણ જો આ રખડતા ઢોર પ્લેટફોર્મ પર આવી ચઢશે તો રેલવે વિભાગ માટે મોટો ખતરો બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે મળસ્કે વરસાદને પગલે આ રખડતા ઢોર વરસાદથી બચવા માટે પ્લેટફોર્મ નં. 1 ઉપર પહોંચી ગયા હોય તેવો માહોલ ઉભો થયો હતો. વહેલી સવારે પ્લેટફોર્મ પર પહોંચી ટ્રેન દ્વારા મુસાફરી કરનારાઓ પણ ઢોરનું પ્લેટફોર્મ પર કબજો જોઈને અવાક બની ગયા હતા.