5 July 2017

મફતલાલ મિલમાં કરોડોની છેતરપિંડી, ત્રણ સામે ફરિયાદ

એકસમયે નવસારી પંથકની આર્થિક જીવાદોરી સમાન ગણાતી મફતલાલ મિલમાં ઉચ્ચ અધિકારી દિનેશ ત્રિપાઠી, તેની પત્ની જ્યોતિ અને અન્ય એક અધિકારી આકાશ જૈને એકબીજાના મેળાપીપણામાં પાવર ઓફ એટર્નીનો દુરૂપયોગ કરી કંપની સાથે છેતરપિંડી કરી ખોટી રીતે નાણાંકીય લાભ મેળવ્યાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ મથકમાં થતા ખળભળાટ મચી ગયો છે.

નવસારીના સ્ટેશન વિસ્તારમાં આવેલી મફતલાલ મિલ એક સમયે નવસારીની નહીં પરંતુ સમગ્ર રાજ્યની સૌથી મોટી મિલ ગણાતી હતી. નવસારીની તો આર્થિક જીવાદોરી ગણાતી હતી અને પંથકના હજારો લોકો મિલ થકી રોજીરોટી મેળવતા હતા. મફતલાલ કંપનીમાં જનરલ મેનેજર ફાયનાન્સ એકાઉન્ટ તરીકે નિમણૂક પામેલા ગોપાલ અશોક જાજુએ નવસારી ટાઉન પોલીસ મથકમાં એક ફરિયાદ આપી છે. જેમાં જણાવાયું છે કે નવસારી મફતલાલ મિલ યુનિટના ઓપરેશન ઓડિટ દરમિયાન ધ્યાન ઉપર આવેલ કે પરચેસ, સેલ્સ, સિવિલ વર્ક તેમજ પ્રોજેકટ વર્કમાં મોટાપાયે ગેરરીતિ થઇ છે, જેથી ઓડિટર દ્વારા કંપનીનું ઈન્ટરનલ ઓડિટ કરાવવા જણાવતા કંપનીની મુંબઈ હેડ ઓફિસ દ્વારા અરનેસ્ટ એન્ડ યંગ ચાર્ટર્ડ એકાઉન્ટ કંપની મુંબઈને ઓડિટનું કામ સોંપવામા આવ્યું હતું. ઓડિટ કંપનીએ ઓડિટ કરી રિપોર્ટ તૈયાર કરી તા. 10 મે 17ના રોજ મુંબઈ હેડ ઓફિસમાં ઓડિટ રિપોર્ટ આપ્યો હતો.

ઓડિટર દ્વારા ઓડિટ રિપોર્ટમાં જણાવાયું કે નવસારી મફતલાલ ડેનિમ વિભાગના મેનેજર દિનેશ રઘુવનદયાલ ત્રિપાઠી (હાલ રહે. અમદાવાદ, મૂળ રહે. સાહપુરા, ભોપાલ), આસિસ્ટન્ટ મેનેજર મટિરિયલ ડેનિમ વિભાગના આકાશ જૈન તથા મેસર્સ નારસિંગ મલ્ટ્રીટ્રેડ પ્રા. લિ. અમદાવાદના જ્યોતિ દિનેશ ત્રિપાઠી (કે જે મેનેજર દિનેશ ત્રિપાઠીના પત્ની થાય છે) મળી નવસારી મફતલાલ યુનિટમાં ગેરરીતિ કરી છે, જેમાં મનેજર દિનેશ ત્રિપાઠીએ મફતલાલ નવસારી કંપનીમાં તા. 13 એપ્રિલ 15થી વાઈસ પ્રેસિડેન્ટ ઓપરેશન ડેનિમ તરીકે નોકરી જોઈન્ટ કરી હતી. તેમને કંપનીના મુખ્ય ઓફિસના બોર્ડ ઓફ ડિરેકટર તરફથી કંપનીના કામકાજને લગતા મટિરિયલ્સ, પરચેસ, કોન્ટ્રાકટ મંજૂર કરવાના નાણાં આપવાના તથા બીજા પાવરો આપવામાં આવ્યા હતા. જેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી દિનેશ ત્રિપાઠીએ કંપની સાથે નાણાંકીય વ્યવહાર પણ ગેરરીતિ આચરેલી હોવાનું જણાયું હતું. બાબતો કંપનીના ધ્યાન ઉપર આવતા આકાશ જૈનને તો તા. 17 માર્ચ 2017ના રોજ નોકરીમાંથી સસ્પેન્ડ અને તા. 29 માર્ચ 17ના રોજ નોકરીમાંથી ડિસમીસ કરાયો હતો. ગેરરીતિનો પર્દાફાશ થતા અને તેની જાણ થતા મેનેજર દિનેશ ત્રિપાઠીએ તો કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. વધુમાં ત્રિપાઠીએ ગેરરીતિ બાબતે સ્પષ્ટતા કરવા વારંવાર જણાવેલ હોવા છતાં કોઈ જવાબ આપેલ નથી કે કંપનીમાં આવ્યા નથી.

સમગ્ર બાબતે નવસારી ટાઉન પોલીસ મથકમાં દિનેશ ત્રિપાઠી, તેની પત્ની જ્યોતિ તથા આકાશ જૈન વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં કરાયેલા ગંભીર આક્ષેપો 
  • યાર્નનો માલ ખરીદવા બીજી કંપની તરફથી નાણાં મેળવવામાં આવ્યા. 
  • દિનેશની પત્ની જ્યોતિની કંપની નારસિંગ મલ્ટીટ્રેડ કંપનીને નાણાંકીય ફાયદો કરાવવા ગેરકાયદે કન્સલ્ટન્ટ રખાઈ, જે કંપનીએ કન્સલ્ટન્ટનું કોઈ કામ કર્યું નથી. 
  • કવોટેશનની માહિતી ગુપ્ત રાખવાની હોવા છતાં ગુપ્ત રખાઈ 
  • કંપની સાથે વ્યવહારો કરતી અન્ય કંપનીઓ સાથે સાંઠગાંઠ 
  • ગેરકાયદેસર રીતે સેલ્સ કમિશનના લાખો રૂપિયા ચૂકવાયા. 
  • માઈક્રોવિઝન કંપની સાથેના વ્યવહારમાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન કરાવાયું. માઈક્રો વિઝન કંપની તરફથી દિનેશ ત્રિપાઠીને ધંધાના 10 ટકા લાભ મળતો હતો. મફતલાલે કંપની સાથે 708 લાખનો ધંધો કર્યો હતો. ઉપરાંત પુજા ઈલેકટ્રીકલ્સ નામની કંપનીના કુલ ઈનવોઈસની 5થી 7 ટકા રકમ દિનેશને ચૂકવાઈ જેની સાથે મફતલાલે 105 લાખનો ધંધો કર્યો હતો. 
  • બીજી પાર્ટીઓના કવોટેશન ધ્યાનમાં લીધા વિના શીખા એન્ટરપ્રાઈઝને કોન્ટ્રાકટ અપાયો. 
  • મળતિયા કંપની મારૂતિ એન્જિનિયરિંગને ફેબ્રિકેશન વર્ક માટે કવોટેશન આપવા ખોટા કવોટેશન બનાવડાવાય અને કંપનીને નુકસાન કરાયું. 
  • દિનેશ ત્રિપાઠીએ હિત ધરાવતી કંપની સુરેખા માર્કેટિંગ સાથે ગેરકાયદે અને કંપનીના હિતોને નુકસાન કરતા વ્યવહારો કર્યા.