6 July 2017

નવસારીના હદ વિસ્તરણ માટે સરકારે માહિતી માંગી


નવસારી શહેરના હદ વિસ્તરણનું ભૂત પુન: ધૂણવા માંડયુ છે. સરકારે અન્ય પાલિકાની જેમ નવસારી પાલિકા પાસે હદ વિસ્તાર અંગે માહિતી માગતા નવસારી પાલિકાએ સને 2012ના ઠરાવને ટાંકીને હદ વિસ્તાર અંગે નવસારીના ઓ.જી. વિસ્તાર (નજીકના 8 ગામો)ની માહિતી મોકલ્યાની જાણકારી મળી છે. છેલ્લા 14-15 વર્ષથી નવસારી મહાપાલિકાનું ભૂત ધૂણે છે. મહાપાલિકા ઉપરાંત નવસારી શહેરના હદ વિસ્તારની વાતો પણ છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. જેમાં એકમાત્ર જલાલપોરનો નવસારી પાલિકા વિસ્તારમાં સમાવેશ થયો છે.

સને 2012માં નવસારીમાં 8 ગામો સમાવવાની દરખાસ્ત નવસારી નગરપાલિકાએ કરી હતી
સને 2011-12ના અરસામાં સરકારે પાલિકા હદ વિસ્તાર અંગે સૂચનો માગતા અહીંની પાલિકાએ નવસારીના હદ વિસ્તરણ અંગે હા ભરી હતી. વધુમાં નવસારીને અડીને આવેલા 8 ગામોને સમાવવામાં આવે તો આ ગામોનો પણ નવસારીની સાથોસાથ સમાંતર વિકાસ થાય એમ જણાવ્યું હતું. જે 8 ગામો ભેળવવાની દરખાસ્ત કરાઈ હતી તેમાં જમાલપોર, ચોવીસી, વિરાવળ, કાલીયાવાડી, કબીલપોર, તીઘરા, ઈંટળવા અને છાપરાનો સમાવેશ કરાયો હતો. જોકે એ સમયે સરકારે હદ વિસ્તરણ કરવાનો નિર્ણય લીધો ન હતો.

હવે લગભગ 5 વર્ષ બાદ રાજ્ય સરકારે પુન: હદ વિસ્તરણ સંદર્ભમાં અન્ય પાલિકાની સાથે નવસારી પાલિકા પાસે પણ નવસારીના ઓ.જી. વિસ્તાર (નજીકના વિસ્તાર)ની માહિતી મંગાવ્યાની જાણકારી આધારભૂત સૂત્રોમાંથી મળી છે. સરકારના પત્ર અનુસંધાને અહીંની નવસારી પાલિકાએ સને 2012ના ઠરાવનો સંદર્ભ ટાંકી નવસારીના ઓ.જી. વિસ્તાર (નજીકના 8 ગામો)ની માહિતી મોકલી હોવાની માહિતી પણ સાંપડી છે.
અહીં ઉલ્લેખનીય છે કે આખા રાજ્યોમાં શહેરોના ઓ.જી. વિસ્તારને પ્રાથમિક સુવિધા પૂરી પાડવાની મુશ્કેલીઓ પડી રહી છે. જો આ ઓ.જી. વિસ્તારને શહેરમાં ભેળવી દેવાય તો આ ગામડાઓને પણ પાલિકા સારી સુવિધા પૂરી પાડી શકે એમ છે અને એ ધ્યાનમાં લઈને જ સરકારે હદ વિસ્તરણ અંગે માહિતી મંગાવ્યાનું જાણવા મળે છે.

વિજલપોર નગરપાલિકાનું શુ થશે ?
નવસારી શહેરનું હદ વિસ્તરણની વાતો તો થાય છે અને એક ગામ જલાલપોરને નવસારીની હદમાં સમાવાયું પણ હતું પરંતુ વિજલપોરને લઈને અસમંજસતાની સ્થિતિ રહી છે. નવસારી પાલિકાએ અગાઉ કરેલા ઠરાવમાં વિજલપોરને હદ વિસ્તરણમાં સમાવવાની વાત કરી ન હતી. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. ફેબ્રુઆરી 2018માં વિજલપોર પાલિકાની વર્તમાન પાંખની મુદત પૂરી થાય છે ત્યારે શું સરકાર વિજલપોર પાલિકાની અલાયદી ચૂંટણી કરાવવાની જગ્યાએ નવસારીમાં ભેળવી દેશે ? હાલ તો તર્ક જ લગાવાઈ રહ્યા છે.

આ આઠ ગામને સમાવવાની શક્યતા
 નવસારીમાં જે 8 ગામો ભેળવવાની દરખાસ્ત કરવામાં આવી છે, તેમાં જમાલપોર, ચોવીસી, વિરાવળ, કાલીયાવાડી, કબીલપોર, તીઘરા, ઈંટળવા અને છાપરાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.