7 July 2017

વિજલપોરમાં ઘરના ઝઘડામાં મહિલા સહિત 3 પર એસિડ ફેંકાયો


બે ભાઈઓ વચ્ચે તકરારમાં વિજલપોરમાં મોટાભાઈ અને તેના પુત્રે નાનાભાઈ અને તેના પુત્રો ઉપર એસિડ ફેંકતા હોહા મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ વિજલપોરમાં સપ્તશૃંગી મંદિર રોડ નજીકની અંજલી સોસાયટીમાં કનકભાઈ રઘુનાથ રડે તેમની પત્ની કમલબેન તથા પુત્રો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. કનકભાઈનું બીજુ ઘર વિજલપોરમાં જ સૂર્યનગર વિસ્તારમાં પણ આવેલું છે. આ સૂર્યનગરના ઘર કનકભાઈના મોટાભાઈ મહેશભાઈ સાથે ભાગીદારીનું છે અને મકાનમાં અડધા અડધા ભાગલા પણ પડી ગયેલા છે. જોકે બંને ઘર પાસે એક દાદર છે જેના ચણતર બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે.

વિજલપોરમાં બે ભાઇના ભાગીદારીના ઘરના ભાગલા બાદ દાદરને લઇ વિવાદ ચાલતો હતો
આ દરમિયાન ગઈકાલે બુધવારના રોજ મોટાભાઈ મહેશભાઈના દીકરા જીતેન્દ્રએ કનકભાઈના છોકરાઓને સૂર્યનગર સ્થિત ઘરે બોલાવતા સાંજના સમયે 6 વાગ્યાના અરસામાં કનકભાઈની પત્ની કમલબેન તેના બંને દીકરા એમ ત્રણ જણાં મહેશભાઈના ઘરે સૂર્યનગર ગલી નંબર-3માં ગયા હતા.  આ વખતે મહેશભાઈ અને તેનો છોકરો કમલબેનના છોકરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. તે વખત સમજાવટનો પ્રયત્ન કમલબેને કર્યો હતો પરંતુ મહેશભાઈ અગાઉની અદાવત રાખી ઉશ્કેરાટમાં આવી ગયો હતો.

ઉશ્કેરાટમાં મહેશભાઈ ઘરમાં પાછળથી એસિડ ભરેલી ડોલ લઈ આવ્યો હતો અને આ એસિડ કમલબેન અને તેના બે પુત્રો ઉપર ફેંક્યું હતું. જોકે કમલબેનના બંને છોકરાઓ બાજુમાં ખસી ગયા હતા. જેને લઈને તેમના ઉપર એસિડના માંડ છાંટા જ ઉડ્યા હતા પરંતુ કમલબેન ત્યા જ ઉભી રહેતા તેના જમણા હાથે તથા ડાબા કાન ઉપર, ડાબી આંખ ઉપર એસિડના છાંટા ઉડતા દાઝી ગઈ હતી. સદનસીબે શરીરના વધુ ભાગ ઉપર એસિડ રેલાયું ન હતું. જોકે કમલબેનને સારવાર માટે નવસારીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ગતરાત્રે જ કમલબેને વિજલપોર પોલીસ મથકમાં તેના જેઠ મહેશભાઈ તથ તેના વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. આ ફરિયાદના આધારે વિજલપોર પોલીસ મથકમાં પીએસઆઈ કરમાતીયાએ તપાસ હાથ ધરી તુરંત જ મહેશ અને તેના પુત્ર જીતેન્દ્રની ધરપકડ કરી દીધી હતી. ઘરના ઝઘડામાં એસિડ ફેંકાયાની વાત પ્રસરતા ચકચાર મચી ગઈ હતી.