9 July 2017

બસચાલક અને ટ્રાફિક બ્રિગેડના જવાન વચ્ચે ચકમક ઝરતા ટ્રાફિક જામ


નવસારીમાં ઝવેરી સડક જતા રોડ પર નારાયણ ચેમ્બર નજીક એસટી ડેપોના ચાલક અને ટ્રાફિક બ્રિગેડના જવાન વચ્ચે મોડી સાંજે ચકમક ઝરતા મામલો બિચક્યો હતો. જેને લઈને ટ્રાફિક જામ થયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ મામલો સંભાળ્યો હતો. આ ઘટનામાં બંને પક્ષે સામસામે અરજી કરાઈ હોવાની માહિતી સાંપડી છે.

નવસારીમાં ઝવેરી સડક જતા રોડ પર નારાયણ ચેમ્બર પાસેથી પસાર થઈ રહેલી એસટી બસ (નં. જીજે-18-ઝેડ-1842) મુંબઈ-મોડાસા-ડુંગરપુરના ચાલકે પોતાની બસ રોડની બાજુએ ઉભી રાખી હતી. એ દરમિયાન ટ્રાફિક નિયમન માટે ઉભા રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાન અને એસટી બસના ચાલક વચ્ચે કોઈ બાબતે ચકમક ઝરી હતી. જેથી બસનો ચાલક બસમાંથી ઉતરી પડ્યો હતો. આ બાબતને લઈને મામલો વધુ ગરમાયો હતો.

બંને એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ કરતા લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. લોકટોળુ એકત્ર થઈ જતા સાંજના 7 કલાકની આસપાસ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાની જાણ થતા જ નવસારી પોલીસનો સ્ટાફ પણ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ટ્રાફિક દૂર કર્યો હતો. દરમિયાન બસચાલકે બસ સાઈડે મુકી દીધી હતી અને આ ઘટના અંગે ટાઉન પોલીસ મથકમાં ટ્રાફિક બ્રિગેડના યુવાન સામે અરજી આપી હતી.

મળતી માહિતી મુજબ સામે બ્રિગેડના યુવાને પણ બસચાલક વિરૂદ્ધ અરજી આપી હોવાની વિગત સાંપડી છે. નવસારી ટાઉન પોલીસ આ કેસમાં તપાસ કરશે. જોકે આ ઘટના બાદ બસચાલક મુસાફરો સાથે બસ લઈ રવાના થઈ ગયો હતો. આ ઘટના સાંજના સમયે ટોક ઓફ ધી ટાઉન બની રહી હતી.