13 July 2017

વિજલપોરમાં આજથી ફેરિયાઓનો સરવે કરાશે

વિજલપોર શહેરમાં ધંધો કરતા ફેરિયાઓ (લારીગલ્લાવાળાઓ)નો સરવે કરવામાં આવશે. સરવે ગુરૂવારથી હાથ ધરવામાં આવશે.

વિજલપોર શહેરમાં પણ ઘણાં લારીગલ્લાવાળા ધંધો કરે છે. ફેરિયાઓ શહેરમાં ઠેર ઠેર ઉભેલા જોવા મળે છે. કેટલીક જગ્યાએ તો ટ્રાફિકને અડચણરૂપ ફેરિયાઓ પણ ઉભા રહે છે. હાલ સુધી ફેરિયાઓને કોઈ ઓળખપત્ર આપવામાં આવ્યું નથી અને આડેધડ ઠેર ઠેર ફેરિયાઓ ઉભેલા જોવા મળે છે. આગામી સમયમાં ધંધો કરત ફેરિયાઓને ઓળખપત્ર આપવાનો નિર્ણય સરકારે અને નગરપાલિકાએ કર્યો છે. જે અંતર્ગત વિજલપોર શહેરમાં ગુરૂવારથી ફેરિયાઓની સરવેની કામગીરી હાથ ધરવામાં આવશે. સરવેની કામગીરી જે કોન્ટ્રાકટ અથર્વ પ્લાનિંગ એન્ડ રિસર્ચ નામની એજન્સીને સોંપવામાં આવ્યો છે. સરવે અંતર્ગત ફેરિયાઓ (લારીગલ્લાવાળા)ના નામ, સરનામા, આધારકાર્ડ, અંગુઠાના નિશાન, ઓળખ અને રહેઠાણના પુરાવા, ફોટોગ્રાફ સહિતની માહિતી એકત્રીત કરવામાં આવશે.

ફેરિયાઓની માહિતીના આધારે શહેરી શેરી ફેરિયા એકટ 2014 અંતર્ગત ઓળખપત્ર અપાશે. આગામી દિવસોમાં ફેરિયાઓના ધંધા માટે જગ્યા પણ નિર્ધારિત થશે. ખાસ કરીને ટ્રાફિકને અડચણરૂપ જગ્યાએ ધંધો કરવા દેવાશે નહીં. પાલિકાની એક યાદીમાં ફેરિયાઓને સરવેની કામગીરીમાં સહકાર આપવા પણ જણાવાયું છે.