13 July 2017

પરિણીતાનું રહસ્યમય મોત, માતાને મૃત હાલતમાં જોતા પુત્રએ કરી બૂમાબૂમ


નવસારીમાં જમાલપોર ખાતે રહેતી પરિણીતાની ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તબક્કે પોલીસે પરિણીતાનો આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના શરીર પર કેટલાક તીક્ષ્ણ વસ્તુના નિશાનો મળી આવ્યાની ચર્ચા ચાલી રહી છે. જોતા પોલીસે તેની હત્યાની આશંકા સાથે તપાસ આરંભી છે.

બેડરૂમમાં લેપટોપના વાયરથી ગળાફાંસો ખાધેલી લાશ મળી
નવસારીને અડીને આવેલા જમાલપોર ગામે સર્વોદયનગર સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ જીતેન્દ્ર દેસાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં પત્ની શીતલ અને એક દીકરો છે. તેમના માતા-પિતા આમરી રહે છે. બપોરના 3 કલાકની આસપાસ પ્રતિકના પત્ની શીતલબેન દેસાઈ (ઉ.વ. 37)ની ઘરના ગ્રાઉન્ડ ફલોર પરના બેડરૂમમાં લેપટોપના વાયર પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી.

મૃત હાલતમાં માતાને જોતા જ પુત્રએ કરી બૂમાબૂમ
મળતી માહિતી મુજબ મૃતકનો અંદાજિત આઠેક વર્ષનો દીકરો જ્યારે બેડરૂમ પાસે ગયો ત્યારે તેની માતાને મૃત હાલતમાં જોતા બૂમાબૂમ કરી બધાને જાણ કરી હતી. આથી પાડોશીઓ ધસી આવ્યા હતા. ઘટનાની જાણ મૃતકના પતિને થતા તેઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તેમણે ગ્રામ્ય પોલીસ મથકમાં જાણ કરી હતી. ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ પણ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. તેમણે એફએસએલને જાણ કરતા એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.

મૃતકના પતિ આઈસ્ક્રીમ પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે
મૃતકના પ્રતિક દેસાઈએ ગ્રામ્ય પોલીસને પોતાની પત્નીએ આપઘાત કર્યાની જાણ કરી હતી. જેથી પોલીસે તેની નોંધ લઈ આગળની તપાસ પીઆઈ આર.એસ.ડોડીયાએ હાથ ધરી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ અર્થે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પતિ આઈસ્ક્રીમ પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મૃતકના શરીર પર તીક્ષ્ણ વસ્તુથી ઘા કરાયા હોવાની ચર્ચાને લઈ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાઈ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

હત્યાની દિશામાં તપાસ શરૂ કરાઈ 
શીતલ દેસાઈના મૃતદેહ પર તીક્ષ્ણ વસ્તુના ઘા જોતા પોલીસે તેના હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પાછળથી જો કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ કે પુરાવા મળી આવશે તો તે પ્રમાણે કાર્યવાહી કરાશે. ઘરમાં ચોરી થયાનું હાલ જણાયું નથી. હાલ પોલીસે કેસમાં આપઘાતનો ગુનો નોંધ્યો છે. - આર.એસ.ડોડીયા, પીઆઈ, ગ્રામ્ય પોલીસ

FSLની લેવાઈ મદદ
શંકાસ્પદ હાલતમાં બેડરૂમમા બેઠેલી પરિણીતાની સ્થિતિ જોતા જ આત્મહત્યા નહીં પરંતુ હત્યાની શંકા જન્માવે છે ત્યારે પોલીસે શંકાસ્પદ કેસમાં હત્યા કે આત્મહત્યાની ગુત્થી સુલઝાવવા માટે પેનલ પીએમની ભલામણ કરી છે જ્યારે એફ.એસ.એલની મદદથી રહસ્ય પરથી પડદો ઊચકવાની કવાયત હાથ ધરી છે.