15 July 2017

શીતલ હત્યા કેસ: પતિનું તથા મૃતકના જીજાજીનું નિવેદન પોલીસે નોંધ્યું


નવસારીને અડીને આવેલા જમાલપોરમાં અનાવિલ પરીણિતાની હત્યા કેસમાં ગ્રામ્ય પોલીસે હત્યારાનું પગેરું મેળવવું અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરી છે. આજે મૃતકના પતિ સહિતના સંબંધીઓના નિવેદનો પોલીસે લીધા હતા. એ નિવેદનોને આધારે પોલીસે તપાસ આરંભી છે. નવસારીમાં જમાલપોરના સર્વોદયનગરમાં રહેતા પ્રતિક  દેસાઈના પત્ની શીતલબેન દેસાઈની લાશ મળી આવ્યા બાદ પોલીસે સૌ પ્રથમ આપઘાતનો અને તે પછી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

મૃતકના ઘરની કામવાળીનું ફરીથી નિવેદન લેવામાં આવ્યું
સુરત એફએસએલની ટીમે શીતલના મૃતદેહનું પીએમ કર્યા બાદ તેની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો, જેના કારણે નવસારી ગ્રામ્ય પોલીસ એલર્ટ થઈ ગઈ હતી. પોલીસે શીતલના મૃત્યુને આપઘાતમાં ખપાવી દેવાના પ્રયાસ અને મોબાઈલ ગાયબ થઈ જવા સહિતની કેટલીક બાબતોને ધ્યાને લઈ તપાસ આરંભી છે. મળતી માહિતી મુજબ આ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ ત્રણ જેટલી ટીમો બનાવી છે.

વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરશે. બીજી તરફ પોલીસે શીતલના પતિ પ્રતિક દેસાઈનું આજે નિવેદન નોંધ્યું હતું. આ ઉપરાંત પોલીસે ઘરકામ કરનારી મહિલાનું ફરીથી નિવેદન લીધું છે. આ ઉપરાંત મૃતકના બનેવી સહિતના લોકોના એક પછી એક નિવેદનો પોલીસે લીધા હતા. આ તમામ નિવેદનોના અર્થઘટનને  ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો દોર સંભાળ્યા છે. જોકે પોલીસને શીતલનો ગુમ થયેલો મોબાઈલ હજી સુધી મળ્યો નથી અને તેથી જ પોલીસે શીતલના મોબાઈલ નંબર પરથી કોલ ડિટેઈલ કઢાવવાની પેરવી શરૂ કરી તપાસ શરૂ કરી છે. એ ઉપરાંત પ્રતિકના કોલ ડિટેઈલ પણ પોલીસ મેળવશે.

સવારે 11થી 2 કલાક દરમિયાન શીતલના ઘરની આસપાસ કોણ કોણ પસાર થયું હતું. તે વિગતો મેળવવા પણ પોલીસ કામે લાગી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જે રીતે શીતલની હત્યા કરી તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. એ જોતા પોલીસ આ પ્રકરણમાં કોઈક જાણભેદુએ એ આ ગુનાહિત કૃત્યુ કર્યું હોવાનું અનુમાન લગાવી રહી છે. શીતલનો મોબાઈલ પોલીસને હજુ સુધી મળ્યો નથી અને તેની પણ તપાસ કરાઈ રહી છે.

આ પ્રકરણમાં તપાસ અધિકારી પીઆઈ આર.એસ. ડોડીયાએ જણાવ્યું હતું કે હાલ પોલીસે આ હત્યા કેસમાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. તપાસના અંતે જ સમગ્ર હકીકત બહાર આવશે. તે માટે અલગ અલગ ટીમો બનાવી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.