16 July 2017

નવસારીમાં 108ના કર્મીઓ સામે પોલીસ ફરિયાદ


નવસારી જિલ્લામાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ખોરંભે ચડાવી હડતાળ કરનારા જિલ્લાના પાંચ કર્મચારીઓ સામે ટાઉન પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં જીવીકે ઈએમઆરઆઈ સંસ્થા સાથે મળીને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના મોડલ સાથે નોડલ એજન્સી રૂપે 108 ઈમરજન્સી સેવા ચલાવે છે. ગુજરાત એન્સેન્શીયલ સર્વિસ મેઈન્ટેનન્સ એક્ટ (ESMA) 1972 હેઠળ કાર્યરત છે. આ અધિનિયમની જોગવાઈને અનુરૂપ કોઈપણ કર્મચારી હડતાળ પાડી શકે નહીં અથવા તો કોઈને પણ હડતાળ પાડવા માટે ઉશ્કેરી શકે નહીં. ગુજરાત સરકાર દ્વારા ચાલી રહેલી એન્સેન્શીયલ સર્વિસને બંધ કે રોકી શકે નહીં. આમ છતાં જો કોઈ કર્મચારી હડતાળ પાડે કે તેમ કરવા માટે અન્ય કર્મચારીને ઉશ્કેરણી કરે તો સજાને પાત્ર છે. નવસારી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી સેવાના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના સંદર્ભમાં હડતાળ પાડી હતી.
 
ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ખોરંભે ચડાવી હડતાળ
13 જુલાઈએ નવસારી સિવિલ હોસ્પિટલમાં આ કર્મચારીઓએ તમામ 108 એમ્બ્યુલન્સ મુકી દીધી હતી. પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આપાતકાલીન સમયમાં નિ:શુલ્ક તબીબી સહાય પૂરી પાડતી એમ્બ્યુલન્સને સંસ્થા દ્વારા ફાળવેલા લોકેશનથી દૂર લઈ જઈને તેમાં રહેલી આપાતકાલીન સમય કોમ્યુનિકેશન માધ્યમ એવી સંસ્થા સીયુજી મોબાઈલને સ્વીચ ઓફ કરી તબીબી સહાય માટેના કોલને લેવાનો બંધ કરી દીધા હતા. જિલ્લામાં નિ:શુલ્ક તબીબી સહાય માટે મળેલી કાર્યરત એમ્બ્યુલન્સ ઓફ રોડ કરીને જિલ્લામાં ગેરકાયદે હડતાળ કરી છે.

પોલીસે 5 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી
108 એમ્બ્યુલન્સ લોક કરી ચાવી પોતાની પાસે રાખી હતી અને 108ની સેવા બંધ કરી હતી. આ કર્મચારીઓએ ગેરશિસ્તતા અને ઉશ્કેરણી ભરેલ પગલાના લીધે જિલ્લામાં આપાતકાલીન સેવા નિ:શુલ્ક તબીબી સહાય માટે કરાયેલ ઓપરેશન ખોરવાયું હતું. જિલ્લાની તબીબી સહાયની જરૂરિયાતમંદ નાગરિકોના જીવ જોખમમાં મુકી તથા 108ની સેવાની પ્રવૃત્તિને અને પ્રતિષ્ઠાને ગંભીર અસર પહોંચાડી હોવાના આક્ષેપ સાથે અમદાવાદના અશોકભાઈ મિસ્ત્રી (જીવીકેના ઈમરજન્સી મેનેજમેન્ટના અધિકારી)એ ફરિયાદ આપતા પોલીસે તેની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.