16 July 2017

શીતલની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસની 4 ટીમ કામે લગાડાઇ


નવસારીમાં શીતલ હત્યા કેસમાં ગ્રામ્ય પોલીસનો નિવેદન નોંધવાનો દોર આજે પણ ચાલુ રહ્યોહતો. પોલીસે અત્યાર સુધીમાં સાતથી વધુ લોકોના નિવેદનો નોંધી ચૂકી છે. પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલવા આજે વધુ એક સર્વેલન્સ ટીમ બનાવી કુલ 4 ટીમો દ્વારા વિવિધ દિશામાં તપાસ આરંભી છે.

નવસારીમાં જમાલપોર ખાતે સર્વોદયનગરમાં રહેતા અનાવિલ પરીણિતા શીતલ પ્રતિકભાઈ દેસાઈની હત્યા કરેલી લાશ તેના ઘરના બેડરૂમમાંથી મળી આવી હતી. જોકે હત્યાને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હતો. શીતલની લાશ લેપટોપના વાયરથી પંખા સાથે બેડ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવીહતી. જેના પગલે સૌ પ્રથમ પોલીસે મૃતકના પતિ પ્રતિકની ફરિયાદને આધારે આપઘાતનો ગુનો દાખલ કર્યો હતો પરંતુ શીતલના મૃતદેહનું એફએસએલમાં પીએમ કરાયા બાદ તેની હત્યા થયાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે પાછળથી હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે મૃતકના પતિ, જીજાજી તથા તેના પરિવારના સભ્યો અને કામવાળી સહિત 7થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.

આ ઉપરાંત કેટલાકની પૂછતાછ કરી પોલીસે કેટલીક ત્રુટિઓનો ભેદ ઉકેલવા પ્રયાસો કર્યા હતા. જોકે હવે પોલીસે સર્વેલન્સ ટીમ બનાવી આ હત્યા કેસને વહેલી તકે ઉકેલવા પગલું ભર્યું છે. એ સાથે જ આ કેસમાં પોલીસે કુલ 4 ટીમ બનાવી વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. પોલીસની આ હત્યા કેસને લઈને મૂંઝવણ વધતી રહી છે.

હત્યા લૂંટને ઈરાદે થઈ હતી કે ઘરમાંથી કોઈ સરસામાનની ચોરી પણ થઈ નથી. માત્ર એક શીતલનો મોબાઈલ જ કેમ ગાયબ થયો આ સવાલનો તાગ મેળવવા પોલીસ મથામણ કરી રહી છે. જોકે હજી સુધી પોલીસને કોઈ યોગ્ય કડી મળી નથી.

સોસાયટીમાં વોચમેનની સંખ્યા વધારાઈ 
શીતલની હત્યા પહેલા સર્વોદયનગર સોસાયટીમાં એકમાત્ર વોચમેન સોસાયટીમાં ફરજ બજાવતો હતો. હત્યાની ઘટના બાદ દિવ્ય ભાસ્કરમાં સોસાયટીમાં સીસીટીવી કેમેરા અને વોચમેન અંગે તેમજ ખુલ્લા રહેતા ગેટ અંગે સવાલો ઉભા કરાયા હતા. જેના પગલે આખરે સોસાયટીમાં વોચમેનની સંખ્યા ત્રણ જેટલી કરી દેવામાં આવી હોવાની માહિતી સાંપડી છે.