19 July 2017

શીતલ દેસાઇ હત્યા કેસનો ભેદ ઉકેલવા પોલીસના ધમપછાડા


નવસારીના બહુચર્ચિત અનાવિલ પરિણીતા શીતલ પ્રતિક દેસાઇ હત્યા કેસમાં પોલીસે ત્રીજી વખત કામવાળી બાઈ તથા તેના સંબંધિત લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા છે. અત્યારસુધીમાં નવસારી ગ્રામ્ય પોલીસે આ હત્યાનો કોયડો ઉકેલવા 56 જેટલા લોકોના નિવેદનો નોંધ્યા છે. આ તમામ નિવેદનોનું વિશ્લેષણ કરવામા આવી રહ્યું છે. જેના પગલે આગામી દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે.

કામવાળી બાઈ તથા તેના સંબંધિતોની ત્રીજી વખત પૂછતાછ, 56 લોકોના નિવેદનો લેવાયા
નવસારીમાં જમાલપોરમાં આવેલા સર્વોદયનગરમાં રહેતા શીતલ દેસાઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં પોલીસે હત્યાનું પગેરુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી. અત્યારસુધીમાં કુલ 56 જેટલા લોકોના પોલીસ નિવેદન નોંધી ચૂકી છે. તેમાંય પોલીસે શીતલના ઘરમાં કામ કરતી કામવાળી બાઈનું ત્રણ વખત નિવેદન લીધુ છે. શીતલની હત્યાને અઠવાડીયુ થવા છતાં હજુ સુધી પોલીસ આ કેસમાં કંઇ ઉકાળી શકી નથી માત્ર સંબંધિતોના નિવેદનો જ લઇ રહી છે.

આ ઉપરાંત તેની સાથે સંબંધિત લોકોના પણ પોલીસે નિવેદન લીધા હતા. હત્યાના એક અઠવાડીમા બાદ પણ પોલીસ નિવેદન જ લઇ શકી છે. તો હજુ મોબાઇલના કોલ ડિટેઇલનું એનાલીસીસ જ કરી રહી છે. જોકે હવે પોલીસે મૃતક શીતલ અને તેના પતિના મોબાઈલ કોલ ડિટેઈલ પ્રાપ્ત કરી લીધી છે. તે તમામનું હાલ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત સર્વોદયનગર સોસાયટીમાં આવાગમન કરનારા શંકાસ્પદ જણાતા લોકોની પણ ખાનગી રાહે પૂછતાછ કરવામાં આવી રહી છે. જોકે પોલીસે આ તમામ પાસાઓનું નિરીક્ષણ કર્યા બાદ ટૂંક સમયમાં જ આરોપી સુધી પહોંચી જાય તેવી સંભાવના વ્યક્ત કરી રહી છે.