20 July 2017

નવસારી પાલિકાની સભામાં બાંકડા ગાજ્યા


નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરમાં મુકવામાં આવી રહેલા બાકડાઓ ગાજ્યા હતા. વિપક્ષી સભ્યોએ તો કેટલીક જગ્યાએથી બાકડાઓ ન્યુસન્સ ઉભુ કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. નવસારી નગરપાલિકાની સામાન્ય સભા આજે બુધવારે પાલિકા સભાખંડમાં યોજાઈ હતી. હાલમાં દરેક વોર્ડોમાં મુકવામાં આવી રહેલા બાકડાઓનો મુદ્દો ગાજ્યો હતો. એજન્ડા ઉપર બાકડાના બે કામો હતા.

શહેરમાં કેટલીક જગ્યાએ મૂકાયેલા બાંકડા ન્યુસન્સ ઊભું કરી રહ્યા હોવાનો વિરોધપક્ષે આક્ષેપ કર્યો
આ કામો ઉપર ચર્ચા કરતા વિપક્ષી સભ્ય ધવલકીર્તિ દેસાઈએ જણાવ્યું કે જે રીતે બાકડાઓ મુકવામાં આવી રહ્યા છે. તે જોતા દરેક વોર્ડમાં 60 બાકડા મુકાશે. શું ભાજપના શાસનમાં વિકાસ એટલે જ બાકડાઓ મુકવા એવું છે બાકડાઓ મુકી કાર્યકર્તાઓ (પાર્ટીના)ને પટાવવામાં આવે છે. અમારા વોર્ડમાં બાકડા મુકવા અમને વિશ્વાસમાં પણ લેવાતા નથી. વિપક્ષી નેતા પ્રમોદ રાઠોડે તો એમ જણાવ્યું કે બાકડા કેટલીક જગ્યાએ ન્યુસન્સ ઉભુ કરે છે.

વોર્ડ 10ના સભ્યોનો વોકઆઉટ
નવસારી નગરપાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નં. 10ના વિપક્ષી સભ્યોએ તેમના વોર્ડમાં કામ થતા ન હોવાનો મુદ્દો શરૂઆતમાં જ ઉઠાવ્યો હતો. વોર્ડના સભ્યો ઈકબાલ ઉસ્માની, પિયુષ ઢીમ્મર, હેમાબેન રાઠોડ, કોકિલાબેન પટેલે તેમના વોર્ડની ઉપેક્ષા કરાતી હોવાનું કારણ જણાવી વોકઆઉટ કર્યો હતો. તેમની સાથે અન્ય એક સભ્ય મેહુલ ટેલરે પણ વોકઆઉટ કર્યો હતો. જોકે વોકઆઉટ મુદ્દે વિપક્ષી સભ્યોમાં જ એકરાગીતા ન હોવાની તથા મતભેદ હોવાની વાત પાછળથી બહાર આવી હતી.