21 July 2017

શીતલ હત્યા કેસમાં ખુલાસોઃ માત્ર 300 રૂપિયા માટે થઈ હતી હત્યા!


ગીઝર રીપેર કરવા આવનાર યુવાને પોતાની વધારાની રૂ. 300ની માંગણી નહીં સંતોષાતા ઉશ્કેરાઈને નવસારીના જમાલપોરમાં રહેતી શીતલ દેસાઈની ઘાતકી હત્યા કરી દીધાનો સનસનીખેજ ખુલાસો નવસારી પોલીસે કર્યો હતો. કદાચ માનવામાં નહીં આવે પરંતુ પોલીસ તપાસમાં આખરે પોલીસને શીતલ હત્યા કેસમાં શીતલના સામે ઘરે કામવાળી ટીના રાઠોડના નિવેદનને પગલે આખરે હત્યારા સુધી પહોંચી શકી હતી.


ગિઝર રિપેર કરવા અાવનારને રૂ. 200 ચૂકવ્યા બાદ તેણે વધારાના 300ની માગણી કરી હતી
જિલ્લા પોલીસવડા એમ.એસ. ભરાડાએ શીતલ હત્યા કેસ અંગે આ ખુલાસો કર્યો હતો. 12મી જુલાઈએ ગીઝર રીપેર કરવા માટે નાની ચોવીસીમાં સ્વામીનારાયણ મંદિરના પાછળના ભાગે રહેતો જયેશ બાબુભાઈ હળપતિ કબીલપોરમાં ગેસ ગીઝર રિપેરિંગ કરનારા દિનેશભાઈની દુકાનેથી શીતલના ઘરે ગયો હતો. તે સવારે 11 કલાકે શીતલના ઘરે પહોંચ્યો હતો. એ દરમિયાન શીતલે સૌ પ્રથમ બાથરૂમનો નળ બગડી ગયાનું જણાવી તે રિપેર કરવા જણાવ્યું હતું. આથી તેણે નળ રિપેર કર્યો હતો. એ પછી શીતલબેને પહેલા માળે વરસાદનું પાણી જતું ન હોવાથી તે પાઈપલાઈન રિપેર કરવા કહેતા તેણે આ કામ માટે રૂ. 400ની માંગણી કરી હતી.


ઓશિકાથી મોઢું દબાવી હત્યા
જોકે, શીતલબેને તેને રૂ. 200 જ આપતા તેણે વધારાના રૂ. 300ની માંગણી કરી હતી. તેણે માંદગી હોવાનું કારણ ધસી આ રૂપિયા માગ્યા હતા. શીતલે તે આપવા ના પાડતા તે શીતલની પાછળ પાછળ બેડરૂમ સુધી પહોંચી ગયો હતો. તેમ છતાં રૂપિયા નહીં આપતા ઉશ્કેરાઈ જઈ જયેશ હળપતિએ શીતલને પાછળથી ધક્કો મારી દીધો હતો. જેથી શીતલબેન બેડ ઉપર પટકાયા હતા. તેને બેડનો ખુણો આંખના ભાગે વાગી જતા ઈજા પહોંચી હતી. આથી તેણે બચાવો બચાવોની બૂમાબૂમ કરી મૂકી હતી. તેને રોકવા જયેશ હળપતિએ પહેલા બેડમાં પડેલું ઓશીકુ લઈ તેનું મોઢું દબાવી દીધુ હતું.

બેભાન થતા લેપટોપના વાયરથી ગળેટૂંપો આપી કરી હત્યા
આથી શીતલ બેભાન થઈ ગઈ હતી. જોકે શીતલ હજી જીવે છે એવું લાગતા જયેશે નજીકમાં જ લેપટોપના વાયર લીધા હતા અને બે વાયર પૈકી એકથી તેણે ગળેટૂંપો દીધો હતો. જ્યારે બીજો વાયર તેણે પંખા સાથે બાંધી દીધો હતો. એ પછી પણ શીતલ જીવિત હોવાનું લાગતા તેણે પહેલા ચપ્પુથી અને એ તૂટી જતા ટેબલ ઉપર પડેલી કાતરથી ઘા ઝીકી દીધા હતા. એ દરમિયાન કામવાળી બાઈના આવવાનો અવાજ થતા તે બેડરૂમમાંથી નીકળી ગયો હતો અને તેણે જતાં જતાં શીતલના પર્સમાંથી રૂ. 1000થી 1200 જેટલા ચોરી લીધા હતા અને આગલા દરવાજેથી બહાર નીકળી તેની બાઈક ઉપર બેસી ભાગી છૂટ્યો હતો. જોકે, પોલીસ નિવેદનોને આધારે આખરે હત્યારા સુધી પહોંચી હતી. જેને લઈને શીતલની હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને હજુ સુધી શીતલનો મોબાઈલ મળ્યો નથી.

દરવાજો હેન્ડલથી બંધ કરી ગયો
કામવાળી બાઈને શીતલે અગાઉથી જ સૂચના આપી હતી કે જો કોઈ રૂમનો દરવાજો બંધ હોય તો તે ખોલવો નહીં અને તે જગ્યાએ સફાઈ કરવી નહીં. આ ઉપરાંત રસોડામાં પણ રસોઈના ડાઈનિંગ ટેબલ પર પડેલ વાસણો સાફ કરવા નહીં. આથી કામવાળી બાઈ એક કલાક કરતા વધુ સમય ઘરમાં કામ કરતી રહી પરંતુ તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો ન હતો. તે રાબેતા મુજબ ઘરના પાછલા દરવાજેથી ઘરમાં આવી હતી. જ્યારે હત્યારો આગલા દરવાજેથી ભાગી ગયો હતો.

હત્યા સમયે નિશાન ન મળે તેની કાળજી રાખી
શીતલને કાતરના ઘા મારતી વખતે જયેશ હળપતિએ કાતરના હેન્ડલ ઉપર કાપડ વિંટાળી દીધુ હતું અને એ પછી પેટના ભાગે ચપ્પુના ઉપરાછાપરી ઘા કરી દીધા હતા અને પછી ભાગી છૂટ્યો હતો.