22 July 2017

નવસારીમાં ઠેર ઠેર મચ્છરોનાં ઉત્પત્તિસ્થાનો


નવસારી પાલિકાની ટીમના સરવે દરમિયાન શહેરમાં ઠેર ઠેર મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળી આવ્યા હતા. પાલિકાની ટીમે તાબડતોડ આ ઉત્પત્તિ સ્થાનો દૂર કરવાની કામગીરી કરી છે. ચોમાસુ હોય મચ્છરથી ફેલાતા ડેંગ્યુ, મેલેરિયા જેવા રોગો વધુ ફેલાય છે. આ બાબતને ધ્યાને રાખી નવસારી પાલિકાના ચીફ ઓફિસર રમેશ જોષીના માર્ગદર્શન હેઠળ મેલેરિયા-ફાઈલેરિયા અધિકારી પરેશ દેસાઈ અને પાલિકાની ટીમ શહેરના અનેક વિસ્તારોમાં મચ્છરના ઉત્પત્તિસ્થાનો શોધવા ઘૂમી વળી હતી.

નગરપાલિકાની ટીમ મચ્છર ઉત્પત્તિસ્થાનો દૂર કરવા શહેરભરમાં ફરી વળી
શહેરમાં કાગદીવાડ, નવી વસાહત, દશેરા ટેકરી, બાપુનગર, ભેંસતખાડા, કાશીવાડી, રૂસ્તમવાડી, નહેરૂનગર, ઘેલખડી, સીતારામનગર, ગોપાલનગર, અલીફનગર, ગધેવાન સહિત અનેક વિસ્તારોમાં સરવે કરતા ઠેર ઠેર મચ્છરના ઉત્પત્તિસ્થાનો મળી આવ્યા હતા. લોકોના ઘરમાં, ઘર નજીક રહેણાંક વિસ્તારોમાં જોવા મળ્યા હતા. જૂના ટાયરો, જૂના ડબ્બા, પીપડા, ડોલ, જૂના વાસણો, તરોફા, પ્લાસ્ટીકની ખુલ્લી ટાંકી, પક્ષીકુંજ, ફુલદાની વગેરેમાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. કેટલાક સ્લમ વિસ્તારમાં તો મોટા પ્રમાણમાં જૂના ટાયરો બહાર પડેલા જોવા મળ્યા, આ ટાયરોમાં વરસાદી પાણી સંગ્રહ થતા મચ્છર ઉત્પત્તિ સ્થાન બન્યા હતા.


શહેરમાંથી એક મોટુ ટ્રેકટર ભરીને ટાયરોનો જથ્થો પાલિકાએ કબજે કર્યો હતો. ટાયરો કબજે કરવા ઉપરાંત જૂના પીપડા યા અન્ય વાસણોમાં ઘણાં સમયથી સંગ્રહ કરેલું પાણી પાલિકાની ટીમે ઢોળી મચ્છરના ઉત્પતિસ્થાન દૂર કર્યા હતા. પાણી ઢોળવા ઉપરાંત ખાડાઓમાં ઓઈલના બોલ નંખાયા, ટેમીફોસ (લીકવીડ)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. શહેરમાં ઘણાં લોકોની અજ્ઞાનતાને કારણે યા કેટલાક કિસ્સામાં બેદરકારીને કારણે મચ્છરો ઘરમાં જ પાળતા હોવાનું જોવા મળ્યા હતા. કેટલાક કિસ્સામાં ટાયરો કબજે લેવા બાબતે લોકો સાથે પાલિકાના સ્ટાફનું ઘર્ષણ થયું હતું. લોકોના હિતાર્થે ટાયર કબજે લેવાતા હોવા છતાં સહકાર આપતા ન હોવાની જાણકારી મળી છે.

કન્સ્ટ્રકશન સાઈટ પર સાવચેતી જરૂરી
મચ્છરોના ઉત્પત્તિસ્થાનો માત્ર લોકોના ઘરો, ખુલ્લી જગ્યામાં જ નથી મળતા પરંતુ નવી બાંધકામની સાઈટોમાં (જગ્યાએ) પણ ખાસ કરીને ડેગ્યુના એડીઝ મચ્છરો ઉદભવે છે. ચારેક વર્ષ અગાઉ શહેરના આશાનગર વિસ્તારમાં ડેગ્યુના કેસો જોવા મળ્યા હતા ત્યારે પાલિકાએ તપાસ કામગીરી કરતા કેટલીક કન્સ્ટ્રકશન સાઈટોમાં પીપડાઓમાં સંગ્રહ કરેલ પાણીમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા. હાલ પણ જ્યાં નવા બાંધકામો ચાલે છે ત્યાં કેટલાકમાં આવા ઉત્પત્તિસ્થાનો મળી આવવાની શક્યતા છે.