22 July 2017

શીતલ હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ નામંજૂર કરતી કોર્ટ


નવસારીના બહુચર્ચિત શીતલ હત્યા કેસમાં પોલીસ હત્યાના આરોપસર ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. હત્યાના કેસમાં તપાસ અર્થે આરોપીના 14 દિવસના નવસારી કોર્ટમાં રિમાન્ડ માંગ્યા હતા પરંતુ આરોપીના વકીલે ધારદાર દલીલો કરતા કોર્ટે આરોપીના રિમાન્ડ નામંજૂર કરી દઈ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો. હત્યા જેવા મહત્ત્વપૂર્ણ કેસમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવામાં નિષ્ફળ જતા કોર્ટ સંકુલમાં આ બાબત ચર્ચાનો વિષય બન્યો હતો.

નવસારીમાં જમાલપોર સ્થિત સર્વોદયનગર સોસાયટીમાં રહેતી શીતલ દેસાઈની 12મી જુલાઈએ હત્યા કરાયેલી લાશ તેના બેડરૂમમાંથી મળી આવી હતી. આ કેસમાં ગ્રામ્ય પોલીસ, એલસીબી સહિતની ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં એલસીબીએ આ હત્યાનો ગુનો ઉકેલી કાઢી આ હત્યા કેસમાં નાની ચોવીસીના આરોપી જયેશ હળપતિની સંડોવણી હોવાના આધારે ઝડપી લીધો હતો. હત્યાના આરોપસર વધુ તપાસ અર્થે આરોપીના નવસારીની બીજા વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે દરમિયાન આરોપીના વકીલ પ્રદીપભાઈ ગડઅંકુશે કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરતા કહ્યું હતું કે હત્યાના સમયે આરોપીની હાજરી ઘટનાસ્થળે હતી અને તે તેની ફિયાન્સના ઘરે કાલીયવાડીમાં હતો.

આખો દિવસ તેની સાથે હતો. માત્ર મોબાઈલ લોકેશનના આધારે જો કોઈને આરોપી બનાવાય તે યોગ્ય નથી. મોબાઈલ ટાવરની ફ્રિકવન્સી 10 કિ.મી. જેટલી અંદાજે હોય છે. ઉપરાંત ફિયાન્સીએ પણ કોર્ટ સમક્ષ તેની હાજરી સંબંધિત સોગંદનામુ રજૂ કર્યું છે.

પ્રદીપ ગડઅંકુશે એવી પણ દલીલ કરી હતી કે પોલીસ ખાતાએ પોતાની પ્રતિષ્ઠા બચાવવા ગુનો ઉકેલી સમાજમાં સારુ બતાવવા આરોપીને ખોટી રીતે એરેસ્ટ કર્યો છે. આારોપીને રિમાન્ડની જરૂર હોવાનું જણાવી યોગ્ય ન્યાય કરવા અનુરોધ કર્યો હતો.

દરમિયાન કોર્ટે તપાસ અધિકરીને પણ આરોપીની અટક બાબતે પૂછતાછ કરી આખરે બીજા વધારાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સુનિલ ચૌધરીએ આરોપીના પોલીસ રિમાન્ડ નામંજૂર કરી દઈ જ્યુ. કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.

હત્યા જેવા ગંભીર કેસમાં પોલીસ આરોપીના રિમાન્ડ મેળવવામાં નિષ્ફળ જતા કોર્ટ સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

પોલીસે કયા કારણોસર રિમાન્ડ માંગ્યા ?
આરોપીએ શીતલ હત્યા કેસમાં જે 1000થી 1200 રૂપિયાની ચોરી કરી હતી તે અંગે, આરોપી પાસે શીતલના મોબાઈલ અંગેની તપાસ, લોકેશન અંગેની ઝીણવટભરી તપાસ, બાઈક ક્યાંથી લાવ્યો અને કોની હતી ? વગેરે બાબતોને ધ્યાનમાં રાખી હત્યાના કેસમાં આરોપીના 14 દિવસના રિમાન્ડ કોર્ટમાં માંગ્યા હતા.

આરોપીને માર માર્યો હોવાની કોર્ટમાં ફરિયાદ
શીતલ હત્યા કેસના આરોપીને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કરાતા તેણે કોર્ટ સમક્ષ માર માર્યો હોવાની રજૂઆત કરતા કોર્ટે તેને ધ્યાન ઉપર લઈ આરોપીનો મેડિકલ ટેસ્ટ કરવા અને તેનો બે કલાકમાં રિપોર્ટ કરવા તાકિદ કરી હતી. કોર્ટમાં દલીલ બાદ આરોપીને મેડિકલ ટેસ્ટ માટે નવસારી સિવિલમાં લઈ જવામા આવ્યો હતો.

જો ખોટો કેસ પ્રસ્થાપિત થશે તો કાર્યવાહી કરાશે ?
આરોપીને શીતલ હત્યા કેસમાં ખોટી રીતે ફસાવી દેવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જ્યારે 11મી જુલાઈથી તે કાલીયાવાડી ફિયાન્સીને ત્યાં હોય, 12મીએ પણ તે આખો દિવસ તેના ઘરે જ હોય અને 13મીએ સવારે 8 વાગ્યે તે ત્યાંથી નીકળે છે તો આવા સંજોગોમાં પોલીસ તેના ઉપર માત્ર મોબાઈલ લોકેશનના આધારે હત્યાનો આરોપ ન લગાવી શકાય. જો ખોટો કેસ પ્રસ્થાપિત થશે તો આરોપીના સંબંધીઓના સહકારથી પોલીસ સામે પણ કાર્યવાહી કરાશે. - પ્રદીપ ગડઅંકુશ, આરોપીના વકીલ

પોલીસ અપીલમાં જશે
હત્યા જેવા કેસમાં આરોપીને સાથે રાખી તપાસ કરવાની હોય છે. સમાજના અને ન્યાયના હિતમાં તે ખુબ જ જરૂરી છે અને તેથી આવતીકાલે પોલીસ અપીલમાં જશે. - આર.એસ. ડોડીયા, પીઆઈ, ગ્રામ્ય પોલીસ