23 July 2017

શીતલ હત્યા કેસ: પોલીસ આરોપી જયેશની ફિયાન્સીના ઘરે તપાસ માટે પહોંચી


નવસારીમાં શીતલ હત્યા કેસમાં પોલીસે નીચલી કોર્ટમાં આરોપીના રિમાન્ડ નામંજૂર થતા સેશન્સ કોર્ટમાં રિમાન્ડ મેળવવા અપીલ કરી છે, જેનું સોમવારે હિયરિંગ થશે. તો સામે હત્યા કેસના આરોપીના સાસરિયા દ્વારા પોલીસને ખોટી રીતે તેમના ઘરમાં ઘૂસી જઈ કપડાની ચોરી કર્યાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે પોલીસ અને આરોપીનો સાસરિયા પક્ષ સામસામે આવી ગયા છે.

નવસારીમાં જમાલપોર સ્થિત સર્વોદયનગર સોસાયટીમાં રહેતી શીતલ દેસાઈની ઘાતકી હત્યા કરાઈ હતી. આ કેસમાં ગ્રામ્ય પોલીસ મથકના પીઆઈ આર.એસ.ડોડીયાએ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન એલસીબી પીઆઈ  ડી.એન. પટેલ તથા તેમની ટીમે આ શીતલ હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસે શીતલની હત્યામાં ગીઝર રિપેર કરવા આવનાર નાની ચોવીસીના જયેશ હળપતિની સંડોવણી હોવાનું જાહેર કરી તેની ધરપકડ કરી હતી.

પોલીસે અને સાસરિયા પક્ષ સામ-સામે
પોલીસ સામે નવા પ્રશ્નો આવીને ઉભા થયા છે. આરોપીના સાસરિયા પૈકી આરોપી જયેશની ફિયાન્સીની માતાએ પોલીસ સામે તેની ગેરહાજરીમાં ઘરનું તાળુ તોડી ઘરવખરી રફેદફે કરી દઈ તેના પતિનું ટીશર્ટ અને એક પેન્ટની ચોરી કરી હોવાનો આક્ષેપ કરતી લેખિત ફરિયાદ જિલ્લા પોલીસવડા એમ.એસ. ભરાડાને કરી છે. જેને લઈ પોલીસ વિવાદમાં સપડાય ગઈ છે. આ શીતલ હત્યા કેસનો ભેદ ઉકેલવા જતા પોલીસ અને આરોપીના સાસરિયા પક્ષ સામસામે આવી ગયા છે. શીતલ હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ સેશન્સ કોર્ટ મંજૂર કરશે કે કેમ તેના ઉપર હવે  કેસની તપાસ રહી છે.

આરોપીના સાસરિયાએ કેવા આક્ષેપો કર્યા ?
શીતલ હત્યા કેસના આરોપીની ફિયાન્સીના માતાપિતાએ આરોપીને રજૂ કરવાનો હોવાથી ત્યાં રોકાયા હતા એ દરમિયાન બંધ ઘરનું તાળુ ત્રણ વર્દીવાળા અને બે સિવિલ ડ્રેસવાળા પોલીસવાળાએ તોડી નાંખ્યું હતું. તેઓ વ્હાઈટ કલરની ફોર વ્હીલ કારમાં ગયા હતા. તેઓ તાળુ તોડી ઘરમાં ઘુસી સામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. ઘરવખરીનો સામાન, અથાણાની બરણી, કપડા, ઘઉં તથા લોટ વેરવિખેર કરી નાંખ્યા હતા. તેઓ ઘરમાંથી ટીશર્ટ અને પેન્ટ લઈ ગયા હતા.


આરોપીની ફિયાન્સી સામે કરવા કાર્યવાહી થશે
પોલીસમાંથી મળતી માહિતી મુજબ શીતલ હત્યા કેસના આરોપીની ફિયાન્સી કાજલબેને 12મી જુલાઈએ આરોપી સવારથી સાંજ સુધી પોતાની સાથે હતો એવું 22 જુલાઈએ કોર્ટમાં સોગંદનામુ કર્યું છે પરંતુ કાજલબેન અને આરોપીના સીડીઆર જોતા બનાવના સમયે બંનેની હાજરી અલગ અલગ જગ્યાએ છે અને આરોપીની હાજરી ગુનાવાળી જગ્યાએ

ગ્રામ્ય પોલીસને આરોપી વિરૂદ્ધ પુરાવા શોધી કાઢ્યા
નવસારી ગ્રામ્ય પોલીસને શીતલ હત્યા કેસમાં કેટલાક મહત્ત્વના પુરાવા હાથ લાગ્યા છે. આ કેસમાં આરોપીની સંડોવણીના પોલીસને સબળ પુરાવા મળી આવ્યા છે. જેમાં અટક કરેલા આરોપીના સીડીઆર (કોલ ડિટેઈલ રેકોર્ડ) જોતા આરોપીની હાજરી ગુનાવાળી જગ્યાએ જણાઈ આવી છે. ઉપરાંત મૃતક શીતલના મોબાઈલની લૂંટ પણ આરોપીએ કરી હતી. તે મોબાઈલ લઈ આરોપી કબીલપોરમાં એક દુકાને લોક ખોલવા માટે તેમજ સીમકાર્ડ કાઢવા માટે વપરાતી સ્ટીલની પીન લેવા ગયો હતો. મોબાઈલની દુકાન ધરાવનાર દુકાનવાળાને પૂછતાછ કરતા જે મોબાઈલ આરોપી લઈને આવ્યો હતો તે મૃતકનો હતો તેવું દુકાનદારના નિવેદન પરથી પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે.