24 July 2017

સૌથી ગંદા વિસ્તારને સુંદર બનાવવા 3 વર્ષથી સફાઇ યજ્ઞ


નવસારી વિજલપોર વિસ્તારમાં સૌથી ગંદા વિસ્તાર તરીકે પંકાયેલ રામનગર-1માં છેલ્લા 3 વર્ષથી સફાઇ અભિયાન ચલાવી એક તબીબ કાયાપલટ કરી હયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ત્રણ વર્ષ પહેલા દેશને સ્વચ્છ કરવા સફાઇ અભિયાન ચલાવવાનો જે કોલ આપ્યો હતો,તેને ઝીલી લઇ નવસારી સિવીલ હોસ્પિટલનાં તબીબ એક તબીબ વિજલપોરનાં હિન્દી બહુસંખ્યક વિસ્તારમાં સફાઇ અભિયાન ચલાવી રહયા છે.ડો.શર્મા કહે છે કે હિન્દી મહાસંઘના એક કાર્યક્રમમાં મને રામનગર-1માં બોલાવતા ત્યાં અસહ્ય ગંદકી જોઇ હતી અને તે દિવસથી વિસ્તારમાં સફાઇ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો.

વિજલપોરનાં રામનગર-1 વિસ્તારમાં અને તેની નજીક અંદાજે 4 હજારની વસ્તી છે.આ વિસ્તારમાં ડો.અજય શર્માની સાથે 50થી 55 લોકો સફાઇ અભિયાનમાં જોતરાઇ જાય છે.જેમાં 30 બાળકો,10 મહિલા અને 15 જેટલા પુરૂષોનો સમાવેશ થાય છે.અહીં વસ્તા લોકોમાં મોટો વર્ગ હીરામાં કામ કરતો હોઇ સોમવારનો દિવસ સાંજે 5થી 7નું પસંદ કરવામાં આવ્યો છે.અહીં સફાઇ અભિયાનમાં હિન્દી ભાષીઓ નહીં,મરાઠીઓ અને ગુજરાતીઓ પણ સામેલ થાય છે.

રામનગર-1માં રસ્તા,રસ્તા નજીક,કોમન પ્લોટ ખુલ્લા પ્લોટની સફાઇ કરવામાં આવે છે.દર અઠવાડિયે બે કલાક થઇ વર્ષમાં અંદાજે 100 કલાક સફાઇ કરવામાં આવે છે. ઉપરાંત સફાઇના સાધનોનો તેમજ અન્ય ખર્ચ તબીબ જાતે ભોગવે છે. તેનના પ્રયાસોને અનેક નગરજનો દ્વારા બિરદાવાઇ રહ્યા છે.

છઠપૂજામાં પણ સ્વચ્છતાનો અભિગમ દાખવ્યો 
ઉત્તરભારતીયો માટે છઠપૂજા મોટો ઉત્સવ છે.તે માટે ડો.શર્માને આમંત્રણ પાઠવાયું હતું.તેમણે શરતે આમંત્રણ સ્વીકાર્યુ કે છઠ્ઠ પૂજામાં થતી ગંદકી,કચરો ઉત્સવ બાદ સાફ કરવામાં આવે!ગાંધીસ્મૃતિ ફાટક નજીકના એક તળાવ નજીક છઠ્ઠ પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનાં બીજા દિવસે લોકો સાથે ભેગા મળી સ્થળ ઉપર ભેગો થયેલ કચરો દૂર કરવામાં આવ્યો હતો અને છઠ્ઠપૂજા અગાઉ જેવી ચોખ્ખીચણાંક જગ્યા કરી દેવામાં આવી હતી.